Western Times News

Gujarati News

વલ્નરેબલ વિટનેસ ડીપોઝીશન સેન્ટરનું ઉદ્ધઘાટન કરતા  ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસશ્રી એ.જે.દેસાઈ

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસશ્રી એ.જે દેસાઈએ આજે ભદ્ર કોર્ટ, લાલ દરવાજા ખાતે તૈયાર કરવામાં આવેલ વલ્નરેબલ વિટનેસ ડીપોજીશન સેન્ટરનુ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કહ્યું કે, ઘણા બધા કિસ્સાઓમાં સાક્ષી પોતાની જુબાની આપવા માટે અસહજતા અને અસુરક્ષિતા અનુભવતો હોય છે, આવા કિસ્સાઓમાં સાક્ષીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને તે જે વાત સાથે સહમત છે અથવા તો જે કંઈ કહેવા માંગે છે તે સહજતાથી અને સુરક્ષિતતા સાથે કહી શકે તે પ્રકારની માનસિક સુસજ્જતા કેળવાય તે માટે અહીં વિટનેસ પોઝિશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં ગ્રાઉન્ડ ફ્લોરથી સાક્ષી જુબાની આપશે અને નવમા માળે જજશ્રી દ્વારા વિડિયો કોન્ફરન્સ દ્વારા તે  સાક્ષીની કેફિયતને રેકોર્ડ કરવામાં આવશે. જ્યારે આરોપીત વ્યક્તિ નવમા માળે જજશ્રી સામે કોર્ટ રૂમમાં બેસશે જેથી આરોપીત વ્યક્તિ સાક્ષીને જોઈ શકશે નહીં તેથી સાક્ષી કોઈપણ પ્રકારની અસહજતા વગર લાક્ષણિક રીતે પોતે જે કહેવા માંગે છે તે સ્વસ્થ રીતે કહી શકશે. જેથી કોર્ટને પણ જે તે કિસ્સામાં ન્યાય તોળવા માટે સરળતા થશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રકારની વ્યવસ્થાથી સાક્ષી કોઈપણ પ્રકારના દબાણથી મુક્ત રહેશે અને આરોપિત વ્યક્તિની શેહ-શરમમાં આવ્યા વગર નિષ્પક્ષતાથી પોતાનો પક્ષ રાખી શકશે,

ખાસ કરીને પોસ્કો એક્ટ કે જેમાં નાના બાળકો પર શારીરિક અત્યાચારના ગુનાઓ બનતા હોય છે. આવા કેસમાં દસ કે પંદર વર્ષનો નાનો બાળક કોર્ટનું વાતાવરણ જોઈને ગભરાહટ અનુભવતું હોય છે તેથી તે પૂરી સ્વસ્થતાથી જુબાની આપી શકતો નથી તેવા બાળકો માટે આ વ્યવસ્થા ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

જસ્ટિસશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, નાના બાળકોને ડર ન લાગે તે માટે રમકડાં સહિતની વ્યવસ્થા પણ આ રૂમમાં ઉભી કરવામાં આવી છે.જેથી તેમને કોર્ટ જેવા વાતાવરણનો અનુભવ ન થાય.  આ ડીપોઝિશન સેન્ટરના ઉદ્ઘાટન અવસરે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજશ્રી એમ.કે.દવે, ન્યાયાધીશશ્રીઓ, વકીલો અને ન્યાય જગત સાથે સંકળાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.