વલ્લભવિદ્યાનગરની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત શાળામાં આગ સામે જાગૃતતા આવે તે હેતુથી યોજાયેલ મોકડ્રીલ
આણંદ ચારૂતર વિદ્યામંડળ સંચાલિત વલ્લભવિદ્યાનગર ખાતે આવેલ ટી.વી. પટેલ હાયર સેકન્ડરી શાળામાં આજે (શનિવારે) સવારે શાળાના બિલ્ડીંગના બીજા માળે એકાએક આગ લાગતાં ધુમાડાના ગોટે ગોટાં તેમજ આગની જવાળાઓ બહાર નીકળતા શાળામાં અફડા-તફડી મચી જવા પામી હતી અને ફાયર બ્રિગેડના જવાનોએ દોડી આવીને આગને ઓલવી હતી.
શાળાના બિલ્ડીંગમાં આગ લાગતા ફાયર બ્રિગેડના જવાનોની સાથે શાળાના એન.સી.સી.ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા શાળામાં ફસાયેલા ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર લાવીને તેઓને સારવાર આપવામાં આવી હતી. તેમજ ફસાયેલા બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘવાયેલા બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન સ્થળ પર દોડી આવી હતી અને બાળકોને સારવાર આપવામાં આવી હતી.
શાળાના બિલ્ડીંગમાં આગ લાગી હોવાના સમાચાર વાયુવેગે ફેલાતાં ચારૂતર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઇ પટેલ, માનદ મંત્રી શ્રી ડૉ. એસ. જી. પટેલ તથા વાલીઓ સ્કૂલ ઉપર દોડી આવ્યા હતા. બાદમાં શાળાના આચાર્ય શ્રી વિજયકુમાર સુથારે બહાર આવીને જાહેર કર્યું કે, આ સમગ્ર પ્રક્રિયા બાળકોમાં આગ સામે જાગૃતિ આવે અને આપત્તિના સમયમાં કેવી રીતે કામ કરવું તે માટે આણંદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સહયોગથી શાળામાં આ મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું ત્યારે સૌએ રાહતની લાગણી અનુભવી હતી.
શાળાના ડીઝાસ્ટરના કન્વીનર અને ટીમના શિક્ષકોએ શાળાના વિદ્યાર્થીઓને રેસ્કયુ ઓપરેશન, પ્રાથમિક સારવાર, સંકલન વગેરે અંગે મોકડ્રીલ પૂર્વે તાલીમ આપી હતી. જેના કારણે વિદ્યાર્થીઓએ પણ આ સમય દરમિયાન ખૂબ જ સુંદર કામગીરી બજાવી હતી.
આ સમગ્ર મોકડ્રીલનું આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગના મામલતદાર શ્રીમતી મહેશ્વરીબેન રાઠોડ, જિલ્લા ડીઝાસ્ટર પ્રોજકેટ ઓફિસર શ્રી વિમલભાઇ તિવારી, ડીઝાસ્ટર મેનેજમેન્ટના કન્વીનર શ્રી જીતેન્દ્ર મહેતા, શ્રી કિંજલકુમાર જોષી અને શ્રી અનિલ પટેલે કર્યું હતું.
આ સમગ્ર મોકડ્રીલ દરમિયાન આણંદ નગરપાલિકા ફાયર સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ધર્મેશભાઇ ગોર તથા તેમની ટીમ અને વલ્લભવિદ્યાનગર નગરપાલિકાની ફાયરી ટીમ, ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ, જિલ્લા કન્વીનર શ્રી અમાનતઅલી અને ટીમના સભ્યો, બાકરોલ પી.એચ.સી. ના ડૉ. રાજેભાઇ પટેલ, ૧૩, ગુજરાત એન.સી.સી. બટાલિયન વલ્લભવિદ્યાનગર તથા વલ્લભવિદ્યાનગર પોલીસ સ્ટાફના સહયોગથી પાર પાડવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડના જવાનોએ આગ લાગવાની ઘટનામાં બચાવ કામગીરી કેવી રીતે કરવી તેનું નિદર્શન પણ કર્યું હતું. આમ સમગ્ર ઘટના ક્રમ બચાવ તંત્રની સતર્કતા ચકાસવા માટેનું મોકડ્રીલ હોવાનું ખૂલતાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ રાહત અનુભવી હતી.