વસિમ બિલ્લા મર્ડર કેસમાં બે શાર્પ શૂટરોની અટકાયત
અમદાવાદ: નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં ગઇ મોડી સાંજે યુપીનાં બે શાર્પ શૂટર સહિત કુલ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસની ચકચારભર્યા આ કેસમાં મહત્વની સફળતા મનાઇ રહી છે.
રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, રૂ.૧૦ લાખમાં સોપારી આપ્યા બાદ વસીમ બિલ્લાની રેકી કરી હત્યા કરવામાં આવી હતી.મુસ્તાન નામના આરોપીએ ઉત્તરપ્રદેશના બે શાર્પશૂટરોને વસીમની હત્યા માટે સોપારી આપી હતી. ચકચારભર્યા આ કેસની વિગત એવી છે કે, નવસારીમાં તડીપારની સજા કાપવા આવેલા વસીમ બિલ્લાનું ગત તા.૨૨મી જાન્યુઆરીએ મોડી સાંજે ઢીમ ઢાળી દેવાયું હતું.
આ મર્ડર કેસમાં મૃતકનાં ભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ૭ શકમંદ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં ૬૦થી વધુ લોકોનાં નિવેદનો લીધા હતા. આ હત્યા કેસના ઉકેલ માટે રેન્જ આઈજી દ્વારા ચાર ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગઇકાલે હત્યાનાં ૧૫માં દિવસે આ કેસનાં બે શાર્પ શૂટર સહિત ત્રણને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
રેન્જ આઈજી રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, વસીમ બિલ્લાની તા.૨૨મી જાન્યુઆરીએ ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ શંકાના આધારે સુરતના બિલ્ડર અને વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા સહિત સાત સામે ગુનો નોંધાયો હતો. પોલીસે ટેકનીકલ સોર્સ અને બાતમીદારો દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં બદરી લેસવાલાની ગલીયાકોટ ખાતે આવેલું ફાર્મ હાઉસ સંભાળતો મુસ્તાન ઉર્ફે મામા અલીહુસેન ડોડીયા(ઉ.વ.૫૨)ની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી
તેની ગતીવિધિ પર વોચ રાખી પકડી પાડ્યો હતો. મુસ્તાનની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સુરતના બિલ્ડર અને વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાલા સાથે વસીમને ઝઘડો થયો હતો. જેને લઈને ગુનો નોંધાતા વસીમને તડીપાર કરવામાં આવ્યો હતો. વસીમને રસ્તામાંથી હટાવવા માટે મુસ્તાને બાસવાડા ખાતે રહેતા કુતુબીદીન અસગરઅલી વોરા(રહે. રાજસ્થાન) અને શાકીબ સાજીદઅલી રંગરેજ(ઉ.વ.૨૯. રહે. ઉતરપ્રદેશ)ને રૂ.૧૦ લાખમાં સોપારી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે, કુતુબીદીન અને શાકીબને બાઈક સાથે બોલાવી ઉધનાના દાઉદનગરમાં મુસ્તાને ફ્લેટ ભાડે અપાવ્યો હતો. છેલ્લા દોઢેક મહિનાથી સુરતથી નવસારી સુધી રેકી કરવામાં આવી રહી હતી.