વસ્તી ગણતરીની પ્રક્રિયા ઝડપથી શરૂ કરાવવા કોંગ્રેસ પ્રમુખની માંગણી

ભારત ૧૮૮૧થી પોતાની પ્રતિ દાયકામાં વસ્તી ગણતરી કરાવી રહ્યું છે, જે યુદ્ધ અને સંકટો જેવી પ્રતિકૂળતાઓનો સામનો કરવા છતાં ચાલુ છે
યુદ્ધ વખતે પણ વસ્તી ગણતરી થઈ હતી, હવે એમાં અભૂતપૂર્વ વિલંબ થઈ રહ્યો છેઃ ખડગે
નવી દિલ્હી,
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાષ્ટ્રીય વસ્તી ગણતરી અને જાતિ આધારીત વસ્તી ગણતરીની પ્રક્રિયામાં થઇ રહેલા વિલંબને લઈ ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે ખડગેએ સરકારને જલદીમાં જલદીમાં વસ્તી ગણતરી શરુ કરાવવા માટે વિનંતી કરી છે. કોંગ્રેસ પ્રમુખ ખડગેએ આ મુદ્દા પર સરકારના મૌન તરફ ઈશારો કરીને કહ્યું કે ભૂતકાળમાં યુદ્ધ અને સંકટો છતાં વસ્તી ગણતરીમાં ક્યારેય વિલંબ થયો નથી. વિશ્વયુદ્ધ અને ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પણ વસ્તી ગણતરી કરવામાં આવી હતી, પરંતુ આજે એમાં અભૂતપૂર્વ વિલંબ થઈ રહ્યો છે.
ખડગેએ એ વાત પર ભાર મૂક્યો કે કોવિડ-૧૯ મહામારીથી પેદા થયેલા પડકારો છતાં વિશ્વભરના ૮૧ ટકા દેશોએ સફળતાપૂર્વક પોતાની વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આ સાથે તેમણે ઉમેર્યુ કે, ભારત ૧૮૮૧થી પોતાની પ્રતિ દાયકામાં વસ્તી ગણતરી કરાવી રહ્યું છે, જે યુદ્ધ અને સંકટો જેવી પ્રતિકૂળતાઓનો સામનો કરવા છતાં ચાલુ છે. ૧૯૩૧માં વસ્તી ગણતરી ૨૬મી જાન્યુઆરીએ શરુ થઈ હતી અને એક વર્ષ સુધી ચાલી હતી, આ દરમિયાન જાતિ આધારીત વસ્તી ગણતરી કરવામાં આવી હતી. આ સાથે ખડગે જણાવ્યું કે આ ખૂબ ચિંતાજનક છે કે ઇતિહાસમાં પહેલીવાર સરકારે વસ્તી ગણતરીમાં વિક્રમજનક વિલંબ કર્યાે છે.ss1