વસ્ત્રાપુરમાં અજાણ્યા શખ્સોએ એજ્યુકેશન ઈન્સ્પેકટર તથા સહકર્મી પર હુમલો કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ : વસ્ત્રાપુર બહુમાળી ભવનથી નોકરી પતાવીને ઘરે જઈ રહેલા એજ્યુકેશન ઈન્સ્પેકટર અને તેમના સહ કર્મચારી ઉપર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો પ્રાથમિક સારવાર લીધા બાદ એજ્યુકેશન ઈન્સ્પેકટરે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરીયાદ નોંધાવી છે.
હિતેન્દ્રસિંહ દેવુભાઈ (ઉ.વ.૪૬) ડી- ટાઈપ ટાવર, સરકારી વસાહત વસ્ત્રાપુર ખાતે રહે છે અને બહુમાળી ભવનમાં નોકરી કરે છે ગઈકાલે સાંજે છ વાગ્યે એજયુકેશન નિરીક્ષણ અધિકારી તરીકે કામ કરતા સહકર્મચારી મનહરસિંહ દાયમા (ઉ.૪૦) સાથે અેક્ટિવા પર બેસી ઘરે પરત ફરી રહયા હતા.
ત્યારે અચાનક જ એક શખ્સે તેમની અેક્ટિવા રોકાવી હતી અને ગાળાગાળી શરૂ કરી હતી તેમજ દુર કારમાં બેઠેલા તેના બે સાગરીતો પણ બેઝબોલ લઈને આવી પહોચ્યા હતા હિતેન્દ્રસિહ કંઈ સમજે એ પહેલાં જ તે બંને ઉપર હુમલો કરતા હિતેન્દ્રસિંહ અને મનહરસિંહ અેક્ટિવા છોડીને ભાગ્યા હતા.
જેથી ત્રણેય ગુંડાઓએ અેક્ટિવાનો કચ્ચરઘાણ કર્યો હતો બાદમાં કારમાં બેસી ત્રણેય શખ્સો વસ્ત્રાપુર તળાવ તરફ પલાયન થઈ ગયા હતા. બાદમાં હિતેન્દ્રસિંહ અને મનહરસિંહે પ્રાથમિક સારવાર લીધા બાદ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં હિતેન્દ્રભાઈએ તેમની સાથે નોકરી કરતા રમેશ દેસાઈ સામે શંકા વ્યક્ત કરી છે જેની સામે આચાર્ય સંઘ તથા શહેર શાળા સંઘ સંચાલક શાળાઓમાં કરેલી ગેરવર્તણૂંક અને અન્ય બાબતોની ફરીયાદોની તપાસ હિતેન્દ્રભાઈ ચલાવી રહયા છે.