વસ્ત્રાપુરમાં પથિક સોફટવેરનો ઉપયોગ નહી કરતા હોટલના મેનેજર વિરૂધ્ધ ગુનો દાખલ
(પ્રતિનિધિ) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી લીધા બાદ દેશભરમાં આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થયેલી છે આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં પણ તકેદારીના તમામ પગલા ભરવામાં આવી રહયા છે.
ખાસ કરીને હોટલોમાં નિયમિત ચેકિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેના પગલે ગઈકાલે રાત્રે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલી હોટલોમાં ચેકિંગ શરૂ કરાયુ હતું જેમાં બેથી વધુ હોટલના સંચાલકો દ્વારા રાજય સરકારે ફરજીયાત કરેલા પથિક સોફટવેરનો ઉપયોગ નહી કરી ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું બહાર આવ્યુ છે અને આ હોટલના સંચાલકો વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગઈકાલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગ શરૂ કરાયું હતું. એસ.જી. રોડને અડીને આવેલા આંબલી – બોપલ રોડ પર હોટલ પ્લાનેટ લેન્ડ માર્કમાં પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસની ટીમ હોટલમાં પહોચી ત્યારે રિસેપ્શન પર એક શખ્સ બેઠો હતો.
તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ વિવેકકુમાર મેડોલા હોવાનું જણાવ્યું હતું અને તે પોતે આંબલી ગામમાં રહે છે અને હોટલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકેની નોકરી કરે છે પોલીસે હોટલમાં આવતા જતા ગ્રાહકોની એન્ટ્રીનો ચોપડો માંગ્યો હતો. એન્ટ્રીઓ માટેનો ચોપડો જાતા જ પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં ચોપડામાં છેલ્લા કેટલાક દિવસોથી ગ્રાહકોની એન્ટ્રી કરવામાં આવી ન હતી એટલું જ નહી.
પરંતુ આ એન્ટ્રીઓ પથિક સોફટવેરમાં કરવી ફરજીયાત હોવા છતાં હોટલના સંચાલકો દ્વારા તેમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી વિવેકની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હોટલનું સંચાલન મેનેજર મહિપાલસિંહ કરે છે જે અમદાવાદનો જ રહેવાસી છે. પોલીસે વિવેકકુમારની પુછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી હોટલના સંચાલક દ્વારા પથિક સોફટવેરમાં કોઈ જ એન્ટ્રી કરવામાં આવી ન હતી.
આ ઘોર બેદરકારીથી પોલીસ અધિકારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હોટલે પોતાના રિસેપ્શન કાઉન્ટર પર ઈન્ટરનેટ કનેકટીવીટી સાથેનું કોમ્પ્યુટર રાખવુ ફરજીયાત છે અને તેમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા પથિક સોફટવેર ઈન્સ્ટોલ કરાવી ગ્રાહકોની તમામ એન્ટ્રીઓ આ સોફટવેરમાં ઓનલાઈન રજીસ્ટર કરવાની હોય છે. આ હોટલમાં આવી એન્ટ્રીઓ કરવામાં આવી ન હતી
તેથી હોટલના મેનેજર મહિપાલસિંહ રામસિંહ ચૌહાણ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અન્ય એક હોટલમાં પણ આવી જ ગેરરીતિ પકડાતા પોલીસ અધિકારીઓએ તેની વિરૂધ્ધ પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં પોલીસતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસથી શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલી હોટલો અને ફાર્મ હાઉસોની ચકાસણી શરૂ કરાઈ છે શહેરના વસ્ત્રાપુર ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં આજ રીતે હોટલોમાં ચેકિંગ શરૂ કરાયું છે પથિક સોફટવેરના આધારે કેટલીક હોટલોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની માહિતી પણ મળવા લાગી છે જેના પગલે પોલીસ અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી શરૂ કરાઈ છે.