વસ્ત્રાપુરમાં ફેરિયાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
કોર્પોરેશને આપેલા પ્લોટનું વધારે ભાડું હોવાથી ફેરિયાઓએ સામુહિક રીતે બહિષ્કાર કરી વસ્ત્રાપુર તળાવ ફરતે પુનઃ લારીઓ ઉભી રાખી દેતા રાત્રે પોલીસનો કાફલો આવ્યો : ફેરિયાઓના ઉગ્ર દેખાવો : આઈઆઈએમ રોડ પર કોઈ જ કાર્યવાહી નહી કરાતા નાગરિકોમાં રોષ
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે બીજીબાજુ શહેરમાં અનેક ઠેકાણે ગેરકાયદેસર રીતે ખાણીપીણીના બજારો જાહેર રોડ ઉપર ધમધમી રહયા છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સંજીવની હોસ્પિટલ પાસે ઘણા સમયથી રાત્રિના સમયે વસ્ત્રાપુર તળાવના ફરતે મોટી સંખ્યામાં લારી- ગલ્લાવાળાઓ પોતાની લારીઓ ઉભી રાખી ધંધો કરી રહયા હતાં.
આ દરમિયાનમાં મ્યુનિ. કોર્પો.એ સંજીવની હોસ્પિટલ પાસે આવેલા એ.એમ. પાર્ક પ્લોટમાં લારી ગલ્લાવાળાઓને જગ્યા ફાળવી તેમની પાસેથી દૈનિક રૂ.રપ૦ જેટલું માતબર ભાડુ વસુલતા લારી ગલ્લાવાળાઓએ તેનો વિરોધ કરી પુનઃ રસ્તાઓ પર લારીઓ ઉભી રાખી દેતા ગઈકાલે રાત્રે પોલીસની મોટી ટીમ આ લારી ગલ્લાવાળાઓને ખસેડવા આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
લારી ગલ્લાઓના માલિકોએ ઉગ્ર દેખાવો કરી ગંભીર આક્ષેપો કરતા સનસનાટી મચી ગઈ હતી. થોડા દિવસ પહેલા જ પા‹કગ પ્લોટમાં એક લારી ગલ્લાવાળાને માથાકુટ થતાં ભારે હોબાળો મચી ગયો હતો અને ત્યારબાદ ગઈકાલે પોલીસે લારીઓ ખસેડવાની કામગીરી કરતા ભારે રોષ ફેલાયો છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં લો ગાર્ડન પાસે હેપ્પી સ્ટ્રીટ બનાવવામાં આવી છે જેના પરિણામે ખાણીપીણીનું બજાર ટુક સમયમાં ધમધમવા લાગશે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રાત્રિ દરમિયાન તળાવના ફરતે ખાણીપીણીની લારીઓ ઉભી રહે છે અને શહેરભરમાંથી લોકો અહી નાસ્તો કરવા આવતા હોય છે જેના પરિણામે મોડી રાત સુધી વસ્ત્રાપુર તળાવનો વિસ્તાર ધમધમતો હોય છે.
તાજેતરમાં અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા વસ્ત્રાપુરમાં સંજીવની હોસ્પિટલ પાસે એક પા‹કગ પ્લોટમાં લારી ગલ્લાવાળાઓ માટે જગ્યાઓ ફાળવી હતી અને આ પ્લોટમાં પથ્થરો પણ નાંખી દેવામાં આવ્યા હતાં. લારીઓ વાળાઓને જગ્યાઓ ફાળવવામાં આવી હતી આ લારીઓ વાળાઓ પાસેથી પ્રતિ દિન રૂ.રપ૦નું ભાડુ વસુલવામાં આવતુ હતું થોડા દિવસ આ પ્લોટમાં લારીઓ વાળાઓ ઉભા પણ રહયા હતાં પરંતુ થોડા દિવસ પહેલા એક લારીવાળાને કેટલાક શખ્સો સાથે બોલાચાલી થતાં મામલો બિચકયો હતો
જેના પરિણામે લારીવાળાઓમાં ભારે રોષ ફેલાયો હતો વધુ પડતુ ભાડું તથા કેટલાક લોકોની રંજાડના કારણે લારીઓ વાળાઓએ કોર્પોરેશનના પ્લોટમાં પોતાની લારીઓ ઉભી નહી રાખવાનો નિર્ણય કર્યો હતો. સામુહિક રીતે તમામ લારીઓવાળાઓ પુનઃ તળાવના ફરતે ઉભા રહેવા લાગ્યા હતાં.
કોર્પોરેશનના વધુ પડતા ભાડાથી લારીવાળાઓ ફરી વખત સંજીવની હોસ્પિટલની ગલીમાં પોતાની લારીઓ ઉભી રાખતા કોર્પોરેશનના અધિકારીઓ તથા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું જાકે છેલ્લા કેટલાક દિવસથી વસ્ત્રાપુર તળાવના ફરતે આ લારીઓવાળા પોતાનો ધંધો કરતા હતા.
આ દરમિયાનમાં ગઈકાલે રાત્રે અચાનક જ પોલીસની ગાડીઓ આવતા મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસની ગાડીઓ જાતા જ લારીઓવાળાઓ એકત્ર થઈ ગયા હતા અને પોલીસની ટીમ પાસે પહોંચ્યા હતા આ દરમિયાનમાં પોલીસે તમામ લોકોને ખસી જવાનુ જણાવતા લારી-ગલ્લાવાળાઓમાં રોષ ફેલાયો હતો અને ગણતરીની મીનીટોમાં જ તમામ લારી ગલ્લાવાળાઓ એકત્ર થઈ ગયા હતા બીજીબાજુ પોલીસે પણ બળપ્રયોગ વાપરવાનું શરૂ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.
રોષે ભરાયેલા લારીના માલિકોએ દેખાવો કરવાનું શરૂ કરતા જ મામલો ઉગ્ર બની ગયો હતો વસ્ત્રાપુર તળાવ ફરતેથી લારીઓ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા જ સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી ગયો હતો ગણતરીની મીનીટોમાં જ વધુ પોલીસ કુમક આવી પહોંચી હતી અને લારીવાળાઓને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. વસ્ત્રાપુર તળાવ ફરતે એકબાજુ લારીઓ હટાવવાની કામગીરી ચાલતી હતી
ત્યારે બીજીબાજુ શહેર પોલીસની બેધારી નીતિના કારણે નજીકમાં જ આવેલા આઈઆઈએમ રોડ પર લારીઓવાળાઓ બિન્દાસ્ત ફુટપાથ પર જાહેર રોડ પર જ ધંધો કરી રહયા હતાં. નજીકમાં જ આવેલા બે સ્થળો પર એક સ્થળે લારીઓ હટાવવાની કામગીરી ચાલતી હતી તો બીજી તરફ આઈઆઈએમ રોડ પર અડધા રસ્તા સુધી ગાડીઓ પાર્ક કરી લારીઓ ચાલી રહી હતી.
આઈઆઈએમ રોડ પર શરૂ થયેલા ખાણીપીણીના બજાર સામે ઉગ્ર રજુઆતો કરવા છતાં આ સ્થળેથી લારીઓ હટાવવામાં આવતી નથી ત્યારે બીજીબાજુ તળાવ ફરતે રાત્રિ દરમિયાન શરૂ થતી લારીઓ હટાવવામાં આવતા પોલીસતંત્ર અને કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે. આઈઆઈએમ જેવા રોડ પર સાંજ પડતાં જ અસામાજિક તત્વોનો અડ્ડો બની જાય છે ત્યારે બીજીબાજુ શાંતિપ્રિય રીતે ધંધો કરતા લારીઓ વાળાઓને હટાવવામાં આવતા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.