વસ્ત્રાપુરમાં ફેરિયાઓ પર પોલીસનો લાઠીચાર્જ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરમાં રસ્તાઓ ઉપર થતાં દબાણો જે ટ્રાફિકને અડચણરૂપ થતા હોય છે. તેને દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવની ટીમે સઘન ઝુબેશ શરૂ કરી છે.
આ ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે વસ્ત્રાપુર તળાવ પાસે રસ્તા ઉપર થતાં દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરતા રેંકડીવાળાઓ તરફથી દબાણ હટાવની ટીમ ઘર્ષણ થયુ હતુ.
આજે સવારે ફરીથી દબાણ હટાવવાની ટીમે વસ્ત્રાપુર તળાવ પાસેના દબાણો હટાવવા ગઈ હતી ત્યારે રેંકડીવાળાઓ તથા ગલ્લાવાળાઓએ ભારે વિરોધ કરી બબાલ કરી હતી.
આ લોકોનું કહેવું છે કે છેલ્લા દોઢ માસથી તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે જે વિકલ્પ જગ્યા આપવામાં આવી છે તેમાં યોગ્ય સુવિધા નથી અને મ્યુનિસિપલ કોર્પોરેશને જે ભાડુ નક્કી કર્યુ છે તે પણ વધુ પડતું છે.
રોષે ભરાયેલા લારીના માલિકોએ દેખાવો કરતા પોલીસને બોલાવવી પડી હતી. સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અત્યારે આ લખાઈ રહ્યુ છે ત્યારે પોસ તથા દબાણ અધિકારીની ટીમ સામે ઘર્ષણ ચાલુ છે. લારી ગલ્લાઓ વાળાનું કહેવું છે કે આઈઆઈએમ રોડ પર લારી ગલ્લાવાળા ઉભા હોય છે ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ટીમની નજર કેમ પહોંચતી નથી. સાંજ પડતાં જ તેને કારણે અસામાજીક ત¥વોનો અડ્ડો બની જતો હોય છે. ત્યાં પગલાં લેવામાં આવતા નથી.
વસ્ત્રાપુર તળાવ પાસે મોટી સંખ્યામાં લારીગલ્લાવાળાઓ વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. ત્યારે પોલીસે લાઠીચાર્જ શરૂ કરતાં તથા લારીગલ્લાવાળાઓની અટકાયત કરતા મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. વસ્ત્રાપુર તળાવની આસપાસનું વાતાવરણ તંગ બની રહ્યુ છે.
વસ્ત્રાપુર તળાવ પાસે રેંકડીવાળા પર પોલીસે કરેલ ફરીવાર લાઠીચાર્જને કારણે શહેરના લારી ગલ્લાવાળાઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે.
વસ્ત્રાપુર તળાવના રેકંડીવાળા લારી ગલ્લાવાળાઓનો આક્ષેપ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરને રજુઆત કરવા ગયા પણ તેમને તેમનો અવાજ સાંભળવા માટે સમય નથી અને અન્ય કામોમાં વ્યસ્ત હોવાનું કહેવામાં આવે છે. વસ્ત્રાપુર તળાવની આસપાસ લારી-ગલ્લાવાળાઓનું કહેવું છે કે ફાળવેલી જગ્યામાં સુવિધાનો અભાવ છે. ભાડુ પણ ખુબ જ વધારે છે. તેથી તેઓ ત્યાં જવા માંગતા નથી. તેથી રોજરોજ દબાણવાળાની ટીમ હેરાન કરે છે ધંધો કરવા દેતી નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ટીમ પોલીસ તથા લારીગલ્લાવાળાઓ સાથે ઘર્ષણ ચાલુ રહેતા વધુ પોલીસ કુમક બોલાવી હોવાનું જાણવા મળે છે. લારી-ગલ્લાવાળાના માલિકો જણાવે છે કે આમ ધંધો બંધ કરવાને કારણે રોજીરોટીનો પ્રશ્ન ઉભો થાય છે. ધધો બંધ થવાથી બે ટાઈમના રોટલા પણ પૂરા થતા નથી. અમે મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિનો વિરોધ કરી રહ્યા છીએ.
તેમનો આક્ષેપ છે કે મ્યુનિસિપલ દબાણ ખાતાની ટીમ સી.જી.રોડ આઈ.આઈ.એમ. રોડ, તથા જ્યાં ભરચક ટ્રાફિક રહે છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી થતી નથી અને થાય છે તો તેને દેખાવ પુરતી કરાતી હોય છે. આ વિસ્તારના નાગરીકોનું પણ કહેવું છે કે આ લોકો શાંતિથી વેપાર-ધંધો કરી રહ્યા છે ત્યારે દબાણની ટીમ તથા પોલીસની ટીમે આવી એકાએક દબાણ દૂર કરતા તથા પોલીસે પ્રબળ બળ પ્રયોગ અજમાવતા લોકોમાં પણ આક્રોશ ફેલાયો છે.