વસ્ત્રાપુર દારૂ પીને ધમાલ મચાવતી યુવતી વિરૂદ્ધ ફરીયાદ
અમદાવાદ : શહેરનાં પોશ વિસ્તાર વસ્ત્રાપુર માંથી છાશવારે દારૂની પાર્ટી કરતાં યુવાનો મળી આવે છે. જાકે ગત રોજ બોડકદેવમાંથી દારૂ પીને ધમાલ કરતી એક યુવતીની ફરીયાદ રહીશોએ કરતાં વસ્ત્રાપુર પોલીસે તેની અટક કરી છે. મૂળ મહારાષ્ટ્રની આ યુવતી દારૂનાં નશામાં બુમાબુમ કરી ધમાલ મચાવી રહી હતી.
આ અંગેની વિગત એવી છે કે વસ્ત્રાપુર પોલીસને કંટ્રોલ રૂમમાંથી બોડકદેવ ખાતે આવેલાં નેબ્યુલા ટાવરમાં એક યુવતી દારૂ પીને ધમાલ મચાવી રહી હોવાનાં મેસેજ મળ્યા હતાં. જેનાં આધારે મધરાત્રે પોલીસ નેબ્યુલા ટાવરમાં પહોંચતાં દોઢ વાગ્યાનાં સુમારે ડી બ્લોકમાં એક યુવતી બુમાબુમ કરતી મળી આવી હતી.
જેને મહિલા કોન્સ્ટેબલોએ સમજાવવાનો પ્રયત્ન કરતાં તે સમજી ન હતી. છેવટે નશાની હાલતમાં રહેતી યુવતીને માંડ શાંત કરાઈ હતી અને તેને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને લઈ જઈને તેનાં વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં નેબ્યુલા ટાવરમાં પીજીમાં રહેતી આ યુવતીનું નામ કંચન મનોહર વાસવાની હોવાનું જાણવા મળ્યું છે આ યુવતી મૂળ નાગપુર મહારાષ્ટ્રની રહેવાસી છે. જે છેલ્લાં કેટલાંક સમયથી અમદાવાદમાં રહે છે પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. મધરાત્રે યુવતીએ ધમાલ મચાવતાં એપાર્ટમેન્ટનાં રહીશો ત્રસ્ત થઈ ગયા હતા અને કોઈએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી.