વસ્ત્રાપુર લેક પર દબાણ હટાવવા માટે ગયેલી એએમસીની ટીમ પર ટોળાનો હુમલો

અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે તેમજ કોર્પોરેશનના ફાળવેલા પ્લોટમાં લારી-ગલ્લાના દબાણ દૂર કરવા પહોંચતા જ ટીમને ટોળાએ ઘેરી લીધી હતી.
માલ-સામાન જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં જ ટોળામાંથી કોઇએ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કર્મચારીઓને શર્ટ ફાડીને માર મારતા માહોલ તંગ બન્યો હતો. ઘર્ષણના પગલે વસ્ત્રાપુર પોલીસે સ્થળ પર દોડી આવી સ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં મ્યુનિ.ના અધિકારી પણ ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે હંગામો કરનાર લોકોની ઓળખ કરીને તપાસ શરૂ કરી હતી.
મોટેરાના સિંગનોર રેસીડેન્સીમાં રહેતા હિતેન્દ્રભાઇ ચૌહાણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હિતેન્દ્રભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનના બોડકદેવ વોર્ડમાં આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.
હિતેન્દ્રભાઇની ટીમની કામગીરીમાં જાહેર રોડ પર અચડણરૂપ દબાણ કરી ઊભા રાખેલા લારી-ગલ્લા હટાવવાનું તેમજ મ્યુનિસિપલના રિઝર્વ પ્લોટમાં દબાણ ન થાય તે જાેવાની જવાબદારી આવે છે.
વસ્ત્રાપુર તળાવ ફરતે તથા આજુબાજુના રોડ પર લારી-ગલ્લા વધારે પ્રમાણમાં હોવાથી ટ્રાફિક થતો હોય છે, જેથી તેઓ વસ્ત્રાપુર તળાવ પાસેના એમ્ફી થિયેટર તથા સંજીવની હોસ્પિટલની બાજુમાં આવેલા કોર્પોરેશને ફાળવેલા પ્લોટમાં દબાણ અર્થેની કામગીરી કરવા ગયા હતા.
પ્લોટમાં લારી રાખી તેમજ અન્ય રીતે વેપાર કરતા ૬૦થી વધુ ફેરિયાઓ કોરોનાકાળ બાદ વહીવટીચાર્જ આપતા ન હતા, જેથી આ વેપારીઓને અગાઉ અવારનવાર જાણ કરી લારી હટાવી લેવાનું કહ્યું હતું, પરંતુ તેઓ હટાવતા ન હતા, જેથી હિતેન્દ્રભાઇએ અમદાવાદ કોર્પોરેશનના રીઝર્વ પ્લોટમાંથી વેપારીઓ લારીઓ હટાવતા ન હોવાથી તેમને વહીવટી ચાર્જ ચૂકવવાની વાત કરી હતી, પરંતુ તેઓએ દાદાગીરી તથા પોતાની મનમાની કરીને વહીવટીચાર્જ ન આપવાનું અને ્મે અહી જ ધંધો કરીશું તથા મ્યુનિસિપલ પ્લોટ ખાલી પણ નહીં કરીએ તેમજ નક્કી કરેલ ચાર્જ પણ નહીં ચૂકવીએ, તમારાથી થાય તે કરી લેજાે એમ કહીને ફરજ પર હાજર કર્મચારીને ધમકી આપી હતી.
વેપારીઓએ કહ્યું કે જાે ફરી આ જગ્યા પર આવશો તો કંઇ પણ કરતા અચકાઇશી નહીં, જેથી કોર્પોરેશનના અધિકારીઓ મિલકત ખાલી કરવા માટે દબાણ ખાતાની ગાડીઓ બોલાવી દબાણ હટાવવાની કામગીરી કરતા હતા.
બોડકદેવ વોર્ડના ઇન્સ્પેક્ટર, થલતેજ વોર્ડના ઇન્સ્પેક્ટર સહિત ૩૦થી ૪૦ કર્મચારીઓ દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે લારીઓ દબાણની ગાડીમાં ભરતા હતા ત્યારે મહેશ ભરવાડ તથા પ્રેમમંડલ, અશોક ઠાકોરે જાેરજાેરથી બૂમો પાડી ટોળાને ઉશ્કેરી મારો એવી બૂમો પાડી હતી. જેથી ૫૦થી વધુનું ટોળું ભેગુકરી દબાણ ગાડી આગળ સૂઇ ગયા હતા.
વેપારીઓ વાહનો પર ચઢીને લારીઓ ઉતારતા હતા. આ દરમિયાન દબાણ ગાડીના ડ્રાઇવરને માર માર્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓની કાયદેસર કામગીરીમાં વેપારીઓ અડચણ કરતા હતા, જેથી અધિકારીઓે તેમની કામગીરીમાં અડચણરૂપ ન થવા કહ્યું હતું. તેમ છતાં તેઓ માથાકૂટ કરતા હતા.
લારીના માલિક મહેશ ભરવાડ, પ્રેમ મંડલ, અશોક ઠાકોર તેમજ પાથરણાવાળા રાકેશ મહેરિયા, ભરત પ્રજાપતિ સહિતના વેપારીઓએ અધિકારીઓ તેમજ સ્ટાફ સાથે જેમ ફાવે તેમ બોલીને મારામારી કરી હતી અને તેમને કહ્યું કે લારી તો નહીં જ ઉઠાવવા દઇએ, તમારાથી થાય તે કરી લેજાે.
તેમણે આમ કહીને સમગ્ર વિસ્તાર માથે લીધો હતો. મારામારી દરમિયાન ઇન્સ્પેક્ટર મુકેશ ચૌધરીનો શર્ટ ફાડી નાખ્યો હતો તેમજ જિજ્ઞેશ શાહ અને અન્ય કર્મચારીઓને મૂઢમાર માર્યા હતો. ટોળાએ ભેગા થઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામનો હુરિયો બોલાવ્યો હતો.
આ દરમિયાન પોલીસનો કાફલો આવી જતા તેણે કાયદેસર કાર્યવાહી કરી હતી.