વસ્ત્રાપુર સશસ્ત્ર લુંટ કેસમાં કિશોર સહીત બે લુંટારૂની ધરપકડ
પોલીસે દેશી તમંચો તથા બે કાર્ટીસ પણ કબજે કર્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના વસ્ત્રાપુર નજીક એક જ દિવસમાં તમંચો બતાવીને લુંટ કરવાની બે ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા કિશોર સહીત બે શખ્સોની શહેર ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી હતી. આ ઘટના અંગેની વિગત એવી છે કે ગઈ તારીખ રપમીએ મોડી રાત્રે એક એકસેસ ઉપર આવેલા બે શખ્સોએ તમંચો બતાવીને યુવક પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓની લુંટ કરી હતી આ ઘટનાની ફરીયાદ નોંધી વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન મળેલા સીસીટીવી કુટેજમાં દેખાતા એકસેસના રજીસ્ટ્રેશનના આધારે વસ્ત્રાપુર પોલીસે તેના માલિકની ધરપકડ કરીને પુછપરછ કરી હતી.
દરમિયાન ક્રાઈમબ્રાંચની એક ટીમે પણ આ ઘટના સંદર્ભે તપાસ શરૂ કરતા પીઆઈ બ્રહ્મભટ્ટની ટીમે બાતમીદારોને સાબદા કર્યા હતા જેના પગલે જય મંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી (૧) સુરેશ ઉર્ફે રઘુ શંકરભાઈ પ્રજાપતિ (મુળ ઉદેપુર રાજસ્થાન) તથા તેની સાથે લુંટમાં સામેલ એક કિશોરને ઝડપી લીધો હતો તથા જડતી કરતા તેમની પાસેથી એક દેશી તમંચો અને બે કાર્ટીસ મળી આવી હતી.
સુરેશની કડક પુછપરછ કરતાં તેને નશો કરવાની આદત હોવાથી રૂપિયા ન હોવાથી બનાવની રાત્રે પોતાના કિશોરવયના સાગરીત સાથે નિમેશ નમ્હા નામના મિત્રનું સ્કુટર લીધુ હતું જેને લઈ થલતેજ ચાર રસ્તા પાસે, ટાઈટેનિયમ સ્કવેરની બાજુમાં એક બાઈક ચાલકને રોકી મોબાઈલ તથા ૬૦૦ રૂપિયાની લુંટ ચલાવી હતી બાદમાં વસ્ત્રાપુર આલ્ફા-૧ મોલ સામે રોડની સાઈડ ઉભા રહેલા છોકરા- છોકરીને પણ તમંચો બતાવીને મોબાઈલ, રોકડ તથા અન્ય સામાન લુંટી લીધા હતાનું કબુલ્યું હતું. પકડાયેલાં બંને આરોપીઓએ અગાઉ પણ નિમેષનું સ્કુટર મેળવીને ચાર સ્થળોએ લુંટ ચલાવી હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમબ્રાંચે લુંટનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખતા અન્ય લોકોને પણ રાહત થઈ છે.