વસ્ત્રાલમાં આવેલા જીઓ સ્ટોરમાંથી મેનેજરે ૬.૨૫ લાખનાં ફોનની ઉચાપત કરી
(પ્રતિનિધિ)અમદાવાદ: રામોલમાં આવેલાં જીઓ કંપનીના એક સ્ટોરમાંથી સ્ટોર મેનેજરે જ મોબાઈલ ફોન, એસેસરીઝ તથા અન્ય સામાન જેની કુલ કિંમત રૂપિયા સવા લાખ જેટલી છે તેની ઉચાપત કરતાં સ્ટોર મેનેજર વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ ઘટનાની વિગત એવી છે કે જીઓ કંપનીનાં સ્ટોરમાં દર મહિને ઓડીટ થાય છે. તે મુજબ વસ્ત્રાલ, રતનપુરા ગામ એવન કોમ્પ્લેક્ષમાં આવેલાં જીઓ સ્ટોરમાં પણ ઓડીટ કરતાં ઓડીટર વિષ્ણુભાઈ પંચાલને બાર મોબાઈલ ફોન તથા કેટલીક એસેસરીઝ ઓછી જણાઈ હતી. જેનો રીપોર્ટ તેમણે એરીયા મેનેજર સિરાજભાઈ કુરેશીને સોંપ્યો હતો.
સિરાજભાઈએ આ અંગે ખુલાસો માંગતા સ્ટોર મેનેજર વિપુલભાઈ રાઠોર (દાણીલીમડા)એ સામાનનાં રૂપિયા પોતાની પાસે હોવાનું તથા તેમનાં બિલ બનાવવાનાં બાકી હોવાનું કહ્યું હતું. જાે કે સિરાજભાઈને શંકા જતાં તેમણે તપાસ ચલાવતાં આ આઈફોન, વન પલ્સ, ઓપ્પો કંપનીના મોબાઈલ ફોન ઉપરાંત હેન્ડસ ફ્રી, પાવર બેંક જેવી કુલ સવા છ લાખ રૂપિયાની વસ્તુઓની ઘટ જણાઈ હતી. આ અંગે વિપુલભાઈ કોઈ ખુલાસો ન આપી શકતાં સિરાજભાઈએ તેમનાં વિરૂદ્ધ ઉચાપતની ફરીયાદ કરી હતી.