વસ્ત્રાલમાં તૂટેલા રોડને કારણે મહિલાને હોસ્પિટલ ભેગા થવું પડ્યું
અમદાવાદ: અમદાવાદને સ્માર્ટ શહેર કહેવું કે નહીં તે સવાલ છે. દર વર્ષે ચોમાસું આવે છે અને અમદાવાદીઓ પરેશાન થાય છે. ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ પડે કે તરત જ રસ્તાઓ ધોવાઇ જાય છે, ખાડા પડી જાય છે. જેને કારણે રસ્તાઓ ઉબડ-ખાબડ જાેવા મળતા હોય છે.
ત્યારે સવાલ એ થાય છે કે આખરે કોના વાંકે અમદાવાદીઓ પરેશાન છે? અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા ગોપીબેન શુક્રવારે સવારના માટે દૂધ લેવા ઘરેથી નીકળ્યા ત્યારે તેમને ખબર ન્હોતી કે આ રોડ તેમની માટે બીમારીનો ખાટલો લાવશે. ગોપીબેન આ રસ્તા પર ફસડાઈ પડતા આગામી સમયમાં તેમને કમરના મણકાનું ઓપરેશન કરાવવું પડશે.
અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં ચોટીલા રોડને કારણે ગોપીબેન જેવા અનેક લોકો આ રોડમાં પટકાયા છે, અનેક લોકોનાં પગ છોલાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં વસ્ત્રાલ વિસ્તાર ખૂબ વિકસિત થયો છે પણ પ્રાથમિક સુવિધાઓના નામે હજુ પણ આ વિસ્તારના સ્થાનિકોને કશું મળ્યું નથી.
પરિણામે સામાન્ય વરસાદમાં પણ શહેરીજનોએ ઠેર ઠેર ખાડા, કીચડ, તૂટેલા રોડ ખૂંદીને ઘરેથી ઓફિસ અને અન્ય કામ કરવા જવું પડી રહ્યું છે. આ અંગે આ વિસ્તારના સિક્યોરિટી વિજયભાઈએ પણ જણાવ્યું કે છેલ્લા ચાર મહિનાથી રોડ ખોધ્યો છે પરંતુ કોઈ આ રોડની દરકાર કરતું નથી.
વસ્ત્રાલના ઓમ સર્કલ પાસે કરવામાં આવી રહેલી કામગીરીને કારણે આ વિસ્તારમાં વાહન લઈને જવામાં મુશ્કેલી પડી રહી છે. અરે વાહન તો શું સ્થાનિકો ચાલતા પણ ક્યાંય બહાર નીકળી શકે એમ નથી. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર એએમસીના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું છે,
પરંતુ પથ્થર પણ પાણી હોય તેમ પૂર્વ વિસ્તારમાં વિકાસ નથી થઈ રહ્યો. એએમસીના સત્તાધીશોને જાણે પૂર્વ અમદાવાદમાં વિકાસના કામો કરવામાં કોઈ તકલીફ હોય તેમ સ્થાનિકોની ફરિયાદો પણ ધ્યાન આપવામાં આવતું નથી. વસ્ત્રાલ વિસ્તારના સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝનમાં ડ્રેનેજ લાઈન રિપેરીંગ તેમજ પીવાના પાણીની લાઈન નાંખવાની કામગીરી વહેલીતકે પૂર્ણ થવી જાેઈએ.