Western Times News

Gujarati News

વસ્ત્રાલમાં ધોળે દિવસે યુવક ઉપર ફાયરીંગ કરનાર ગણતરીના કલાકોમાં ઝડપાયો

બે દિવસમાં મારામારી, હત્યા અને ફાયરીંગ જેવી હિંસક ઘટના બનતાં પોલીસ તંત્ર દોડતું થયું

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં એક વખત ફરીથી ક્રાઈમની ઘટનાઓએ માથું ઉચકયું છે બે દિવસ દરમિયાન જ એક હત્યા, જીવલેણ હુમલો ઉપરાંત ફાયરીંગની ઘટના બનતાં જ પોલીસ પણ દોડતી થઈ છે વસ્ત્રાલ વિસ્તારમાં એક શખ્શે ધોળા દિવસે એક વ્યક્તિ પર ફાયરીંગ કરતા ચકચાર મચી ગઈ છે ઘટનામાં વ્યક્તિના માથામાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જયારે ફાયરીંગ કરનાર શખ્શ ફરાર થઈ જતાં પોલીસની ટીમોએ તેની શોધ શરૂ કરી હતી અને મોડી સાંજે તેને ઝડપી લીધો હતો.

આ ઘટનાની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ રીંગ રોડ ઉપર જાહેરમાં મંગળવારે બપોરે ઈશ્વરભાઈ પ્રતાપભાઈ ઠાકોર નામના વ્યક્તિ ઉભા હતા ત્યારે પ્રદીપ રાજપુત નામનો શખ્શ આવ્યો હતો અને ઈશ્વરભાઈ કંઈ વિચારે એ પહેલાં જ તેમના માથામાં ગોળી ધરબી દેતાં તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા દૃશ્ય જાેઈને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી જયારે ફાયરીંગ કરનાર શખ્શ પ્રદીપ ત્યાંથી ભાગી છુટયો હતો બાદમાં ઘાયલ ઈશ્વરભાઈને ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં તે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહયા છે આ ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસનો સ્ટાફ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલીક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.

આ અંગે રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સી.આર. રાણાએ જણાવ્યંુ હતું કે પ્રાથમિક તપાસમાં બંને એક જ સોસાયટીના રહીશ હોવાનું જાણવા મળ્યું છે. ઈશ્વરભાઈ સોસાયટીનું મેઈનટેનન્સ ઉઘરાવતા હતા આ બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી માથાકુટ ચાલતી હતી જેના પરીણામે જ ફાયરીંગ કરાયાનું અનુમાન છે હાલમાં રામોલ પોલીસની ટીમોએ પ્રદીપની શોધખોળ શરૂ કરી હતી.

બીજી તરફ ફાયરીંગની ઘટના બનતાં શહેર ક્રાઈમબ્રાંચની ટીમો પણ પ્રદીપને શોધવામાં લાગી ગઈ હતી અને પીઆઈ કે.વાય.બ્લોચની આગેવાની હેઠળની ટીમે ચોકકસ બાતમી મેળવીને પ્રદીપને મોડી સાંજે અમરાઈવાડી ભીલવાડા આગળથી ઝડપી લીધો હતો તેની પાસેથી દેશી બનાવટનો તમંચો અને બે જીવતા કારતુસ તથા મોબાઈલ ફોન પણ કબજે લીધો હતો.

પુછપરછ દરમિયાન તેણે સોસાયટીના મેઈન્ટેન્સના રૂપિયા બાબતે જ ફાયરિંગ કર્યું હોવાનું કબુલ્યું હતું તપાસ દરમિયાન પ્રદિપ ગુનાને અંજામ આપ્યા બાદ રાજય છોડીને બહાર ભાગી જવાની પેરવી કરતો હતો તે પહેલા જ તેને ક્રાઈમબ્રાંચે ઝડપી લીધો હતો.

ફાયરીંગ કરનાર પ્રદીપ અગાઉ મારામારી ઉપરાંતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં હથિયાર સંબંધી ગુનાઓમાં પણ ઝડપાયેલો છે. પ્રદીપની સાથે એક કિશોરને પણ ઝડપી લેવામાં આવ્યો છે. ફાયરીંગમાં વપરાયેલી પિસ્તોલ પણ ગેરકાયદેસર જ હોવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આગલા દિવસે સોમવારે અમરાઈવાડીમાં હિંસક મારમારીના બે બનાવો બન્યા હતા જેમાં એકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અમદાવાદમાં અચાનક જ હિંસક ઘટનાઓ બનતા પોલીસ તંત્ર ઉપરાંત સામાન્ય નાગરિકો પણ ચોંકી ઉઠયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.