વસ્ત્રાલમાં પાંચ દુકાનોમાંથી ૩.૭૮ લાખનાં નકલી તેલના ડબ્બા પકડાયા
અમદાવાદ, અમદાવાદનાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી કેટલીક દુકાનોમાં ડુપ્લીકેટ લેબલ લગાવીને ફોચ્ર્યુન કંપનીનું તેલ વેચતી પાંચ દુકાનોમાં પોલીસ સાથે મળીને કંપનીનાં અધિકારીઓએ દરોડો પાડ્યો છે. જેમાં ૩.૭૮ લાખનાં ૧૯૦ તેલનાં ડબ્બા ઝડપી લીધા છે. આ અંગેની વિગત એવી છે કે અદાણી વિલ્મર કંપનીના અધિકારીઓને પોતાની બ્રાન્ડનાં નકલી લેબલ મારી કેટલાંક વેપારીઓ તેલ વેચતાં હોવાની જાણકારી મળી હતી જેથી પોતાની રીતે ખરાઈ કર્યા બાદ રામોલ પોલીસને આ અંગે જાણ કરી હતી.
બાદમાં શનિવારે સવારે કંપનીનાં અધિકારીઓ તથા પોલીસે વસ્ત્રાલમાં આવેલી બાલાજી જનરલ સ્ટોર્સ તથા રાહુલ પ્રોવિઝન સ્ટોર્સ પર દરોડો પાડીને ર૦ હજારની કિંમતનાં તેલનાં ડબ્બા જપ્ત કરીને માલિકો રમેશ સોલંકી તથા રાહુલ બચાણી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જ્યારે નારોલમાં આવેલી બાલાજી ટ્રેડર્સમાંથી ૮૦૦૦ની કિંમતનાં ૪ ડબ્બા, વસ્ત્રાલ રોડ પર આવેલી ગાયત્રી પ્રોવિઝન સ્ટોર્સમાંથી ૩૬ હજારની કિંમતનાં ૧૮ ડબ્બા અને વસ્ત્રાલનાં મમતા ટ્રેડર્સમાંથી ૩.૧૪ લાખનાં ૧પ૭ ડબ્બા મળ્યાં હતા. પોલીસે આ તમામ સામે પણ ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.