વસ્ત્રાલમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂા.ર૦ કરોડના ખર્ચથી નવી લાઈનો નંખાશે
અંદાજે ૧.રપ લાખ નાગરિકોને ફાયદો થશે ઃ નવી ખોદવામાં આવેલ ટી.પી સ્કીમોમાં સ્ટ્રોમ લાઈન નાંખવામાં આવશે
અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ માટે અંદાજે ૯૦૦ કીલોમીટર લંબાઈની સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવી છે. જેની ડીઝાઈન મુજબ એક કલાકમાં એક ઈંચ પાણીનો નિકાલ થાય છે. યુપીએ સરકાર દ્વારા જેએનએનયુઆરએમ અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવેલી આર્થિક મદદમાંથી સ્ટ્રોમ લાઈન નાંખવાની શરૂઆત થઈ હતી.
ત્યારબાદ મ્યુનિ. હદમાં અનેક નવા વિસ્તારોનો સમાવેશ થયો છે તેમજ નવી ટી.પી. સ્કીમો પણ ખોલવામાં આવી છે. આ પૈકી જે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા રહે છે તેમાં મનપા દ્વારા સ્ટ્રોમ વોટર લાઈનો નાંખવામાં આવી રહી છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા પુર્વ ઝોનના વિસ્તારો માટે ખાસ પેકેજ પૈયાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત વસ્ત્રાલ વોર્ડ માટે અલગ-અલગ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે તેમજ વટવા વિધાનસભાના વસ્ત્રાલ વોર્ડમાં રૂા.ર૦ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે.
શહેરનો વસ્ત્રાલ વોર્ડ ભૌગોલિક દૃષ્ટિએ નીચાણવાળા વિસ્તારમાં અવોલો છે. ખારીકટ કેનાલ અને એસ.પી. રીંગરોડની વચ્ચે અંદાજે દોઢ ફૂટ જેટલા નીચાણમાં આ વિસ્તાર આવેલો છે, જેના કારણે વરસાદી પાણીના નિકાલમાં તકલીફ થાય છે. હાલમાં વરસાદી પાણીનો નિકાલ વોર્ડમાં આવેલા રતનપુરા તળાવ અને ખુલ્લા ખેતરોમાં થાય છે. રતનપુરા તળાવ પ્રમાણમાં નાનુ હોવાથી ઝડપથી ભરાઈ જાય છે. તેવા સંજાેગોમાં વરસાદી પાણી નિકાલમાં સમસ્યા થાય છે.
જેના કારણે આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે લાઈન નાંખવી જરૂરી બને છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા વસ્ત્રાલમાં સ્ટ્રોમ લાઈન નાંખવા ત્રણ પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પેકેજ-૧ અંતર્ગત ખોડીયાર તળાવ પાસે ટી.પી-૧૦પ, ૧૦૬, ૧૧૩, ૧૧૪ અને ઓઢવ ટી.પી. ૧૧ર અને ૧૦૪ માં રૂા.પ.ર૬ કરોડના ખર્ચથી લાઈનો નાંખવામાં આવશે.
પેકેજ-ર માં રૂા.પ.૧૦ કરોડનો ખર્ચ થશે. જયારે પેકેજ-૦૩ ખારીકટ કેનાલ વિસ્તારમાં રૂા.૮.૪૩ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવશે. મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીન પટેલ અને ડેપ્યુટી ચેરમેન ભરત પટેલનો સંપર્ક કરતા તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે સ્ટ્રોમ વોટર લાઈનના કામ પુર્ણ થયા બાદ વોર્ડના નવા ઓઢવ, આદીનાથ નગર વિસ્તાર, દિપાલીનગર, મલ્લીનાથ નગર, ભરવાડનગર, ગોકુલનગર, નેહલ પાર્ક,
સુરજ પાર્ક, યમુના પાર્ક, ગીરીરાજનગર, ર૦૦ ફૂટ રીંગ રોડ વિસ્તાર તેમજ રતનપુરા ગામની પાછળનો વિસ્તાર જેવો કે ક્રિષ્નાપાર્ક, અબજી બાપા, મંગલ રેસીડેન્સી, બાપા સીતારામ ચોકથી કેનેરા બેંક સુધીનો વિસ્તાર નીચાણવાળા હોવાથી ચોમાસામાં લગભગ દોઢથી બે ફુટ વરસાદી પાણી ભરાય છે. નવી લાઈન કાર્યરત થયા બાદ આ સમસ્યાનો નિકાલ થશે. પેકેજ-૧ માં અંદાજે એક ચોરસ કીલોમીટરનો કમાન્ડ વિસ્તાર રહેશે. તેમજ ૪પ હજાર નાગરીકોને ફાયદો થશે. પેકેજ-ર માં ૧.પ૦ ચો. કી.મી કમાન્ડ વિસ્તાર છે.
જેમાં ૩૦ હજાર રહીશોને ફાયદો થશે. જયારે પેકેઝ-૦૩ માં અંદાજે ૧.૪૦ કીલોમીટરનો કમાન્ડ એરીયા રહેશે. જેમાં લગભગ ૪પ હજાર નાગરીકોને લાભ થશે. સ્ટ્રોમ વોટર લાઈનના વરસાદી પાણીનો નિકાલ ખોડીયાર તળાવ તેમજ રતનપુરા તળાવમાં થશે જયારે કેટલાક નીચાણવાળા વિસ્તારમાંથી ગ્રેવિટી દ્વારા બંધ કરવામાં આવેલ બ્રાંચ કેનાલમાં પણ પાણી નાંખવામાં આવશે તદઉપરાંત જરૂરિયાત મુજબ વસ્ત્રાલના હયાત સ્ટ્રોમ વોટર પંપનો પણ ઉપયોગ કરવામાં આવશે.