વહેપારીની ગેરહાજરીમાં કારીગરોએ દુકાનમાં ચોરી કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, આંબલી ગામમાં ઓફીસ ધરાવતા વેપારીની તબિયત લથડતાં તે કેટલાંક દિવસો સુધી ઓફીસે આવ્યા ન હતા અને કારીગરોના ભરોસે ઓફીસ ચાલુ રાખી હતી જાેકે એજ કારીગરોએ તેમની ગેરહાજરીમાં ૭.૩૪ લાખના સામાનની ઉચાપત કરતાં વેપારીએ ચોરીની ફરીયાદ નોંધાવી છે.
આ ઘટનાની વિગત એવી છે કે રાહુલભાઈ મહંત (ર૯) ગ્રીનપાર્ક બંગ્લો, આંબલી બોપલ રોડ, આંબલી ખાતે રહે છે અને આંબલીમાં આવેલા સમર્પણ કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવી સેફટી પ્રોડકટનું ઓનલાઈન વેચાણ કરે છે. ઓગસ્ટ મહીનામાં તેમની તબિયત ખરાબ થતાં કેટલાક દિવસોની રજા લઈ ઓફીસ અક્ષયસિંહ વાઘેલા તથા યશપાલસિંહ ચાંચુ (બંને રહે. ગોધાવી, સાણંદ)ના ભરોસે ચાલુ રાખી હતી.
રાહુલભાઈની તબિયત સુધરતાં તે ઓફીસે પરત ફર્યા હતા અને સ્ટોકનો હિસાબ કરતાં કેટલોક સામાન ઓછો જણાયો હતો જેથી ઓફીસના સીસીટીવી કેમેરા તપાસતા અક્ષય તથા યશપાલ માસક, સેફટી ઈયર પ્લગ સહીતના ૭.૩પ લાખનો મુદ્દામાલની ઉચાપત કરતાં કેદ થયા હતા. આ ઘટના અંગે તેમણે સરખેજ પોલીસ સ્ટેશનમાં બંને વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંનેની તપાસ હાથ ધરી છે.