Western Times News

Gujarati News

અમદાવાદના વહેપારી સાથે રૂ.ર.૩પ કરોડની છેતરપીંડી

ઉધારમાં દવાનો જથ્થો આપ્યા બાદ રૂપિયાની ઉઘરાણી કરતા ત્રણ વહેપારીઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ફરિયાદોમાં ચિંતાજનક વધારો થઈ રહયો છે ખાસ કરીને વહેપારીઓ સાથે છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે આ પરિસ્થિતિમાં  શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ભાઈઓ વિરૂધ્ધ રૂ.ર કરોડ ઉપરાંતની છેતરપીંડીની ફરિયાદ નોંધાતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આરોપીઓએ રૂપિયા પરત આપવાના બદલે ધાક ધમકી આપતા વહેપારીએ આ ત્રણેય ભાઈઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરને અડીને આવેલા ભાડજ ગામમાં સુપર સીટી ટાઉનશીપમાં રહેતા વહેપારી ભુમીષ્ઠ નરેન્દ્રભાઈ પટેલની સોલા ઔડાની પાણીની ટાંકી પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં ઓફિસ આવેલી છે અને આ ઓફિસમાં તેઓ દવા ઉપરાંત અન્ય બિઝનેસો કરે છે ઓફિસમાંથી બેઠા બેઠા ધમીષ્ઠ ફર્નીચર, દવા તથા અન્ય ચીજવસ્તુઓનો જથ્થાબંધ વહેપાર કરતા હોવાથી તેમના સંપર્કમાં અનેક વહેપારીઓ આવેલા છે.

ભુમીષ્ઠના સસરા સાથે ધંધાકીય રીતે સંકળાયેલા પંકજ કંસારાના પુત્રો ભુમીષ્ઠના સંપર્કમાં આવ્યા હતાં ભુમીષ્ઠના સસરા ડાયાભાઈ વિસનગરમાં ભાગીદારીમાં દવાની દુકાન ચલાવતા હતા અને પંકજભાઈ તેમની સાથે સંકળાયેલા હતાં જેના પરિણામે ભુમીષ્ઠ અને પંકજભાઈના પુત્રો સાથે ધંધાકીય વાતચીતો થતી હતી આ દરમિયાનમાં બે વર્ષ પહેલાં મોટેરા આશ્રમ પાસે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો

જેમાં ભુમીષ્ઠે તેની પત્નિનું   નામ લખાવ્યું હતું ભુમીષ્ઠ હોલસેલનો વહેપારી હોવાથી તેઓ પંકજભાઈના ત્રણ પુત્રો જય પંકજ કંસારા, નિશીત પંકજ કંસારા અને વિજય પંકજ કંસારાને હોલસેલમાં દવાનો જથ્થો વેચાણથી આપતા હતા અને આ જથ્થો વહેચાય ત્યારે તેના નાણાં આપવાની શરત હતી.

જય, નીશીત અને વિજયે ભુમીષ્ઠ પાસેથી મોટી માત્રામાં દવાનો જથ્થો લીધો હતો અને ત્યારબાદ તેનુ વેચાણ થઈ જતા તેના ચેક ભુમીષ્ઠને આપવામાં આવ્યા હતાં ભુમીષ્ઠે આ ચેકો બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયા હતા જેના પગલે ભુમીષ્ઠે આ ત્રણેય ભાઈઓ સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ચેકો રિટર્ન થયા છે પ્રારંભમાં આ ત્રણેય ભાઈઓએ ગલ્લા તલ્લા કર્યાં હતાં અને વાયદો આપવાનું શરૂ કર્યું હતું

પરંતુ સમય જતાં ભુમીષ્ઠે આ અંગેની ઉઘરાણી શરૂ કરતાં ત્રણેય ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતાં. આરોપી જય પંકજ કંસારા, અને નિશીત પંકજ કંસારા ચાંદખેડા પાસે આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટી ખાતે રહે છે જયારે વિજય પંકજભાઈ કંસારા વિસનગરમાં આવેલા નીલકંઠ મહાદેવના ખાંચામાં રહે છે. ચેકો રિટર્ન થતાં ભુમીષ્ઠે ઉઘરાણી શરૂ કરી હતી હિસાબ કરતા ભુમીષ્ઠે કુલ રૂ.ર કરોડ ૩પ લાખ ઉપરાંતનો દવાનો જથ્થો આ લોકોને આપ્યો હતો જેના રૂપિયા ચુકવવાના બાકી હતા ભુમીષ્ઠે ઉઘરાણી કડક કરતા ત્રણેય ભઈઓ ઉશ્કેરાયા હતા અને ધમકી આપી હતી કે જા હવે રૂપિયાની ઉઘરાણી કરીશ તો જાનથી મારી નાંખીશું.

આરોપીઓએ હત્યાની ધમકી આપતા વહેપારી ભુમીષ્ઠ ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક તેમણે આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસની મદદ માંગી હતી ભુમીષ્ઠે સમગ્ર હકીકત પોલીસ અધિકારીઓને જણાવતા તેઓ ચોંકી ઉઠયા હતાં. ભુમીષ્ઠે આ અંગે ત્રણેય ભાઈઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા સોલા હાઈકોર્ટ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.