વહેલું ધો. 10 અને 12નું પરિણામ જાહેર કરવાની કામગીરી આ કારણસર અટકી શકે તેમ છે?
કોપી કેસમાં ચૂંટણી આચાર સંહિતાનું ગ્રહણ લાગ્યું, કામગીરી અટકી -શિક્ષણ બોર્ડની પરીક્ષા વખતે ૪૨ જેટલા વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરાયો હતો
(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન અને ત્યારબાદ સીસીટીવી ફૂટેજની ચકાસણીમાં કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓના નિર્ણયનો મામલો ચૂંટણીના પગલે અટકી પડ્યો છે.
આચાર સંહિતાને કારણે બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક થતી ન હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થયો છે. એક બાજુ શિક્ષણ બોર્ડ વહેલું પરિણામ જાહેર કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે તો બીજી બાજુ પરીક્ષા સમિતિની બેઠક ન મળવાને કારણે કામગીરી અટકી છે. શિક્ષણ બોર્ડે રાજ્ય ચૂંટણી પંચમાં ૧૦ દિવસ પહેલા દરખાસ્ત કરી હતી, પરંતુ હજુ સુધી બોર્ડને જવાબ મળ્યો નથી. જેથી શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે સત્ત્વરે નિર્ણય કરવા બોર્ડ સમક્ષ માગ કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ- ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાનું કામ યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ખૂબ જ વહેલુ પરિણામ જાહેર કરવા માટેની તૈયારીઓ પણ કરાઈ છે. જોકે, બીજી બાજુ પરીક્ષા દરમિયાન થયેલા કોપી કેસ તેમજ પરીક્ષા બાદ સીસીટીવીના ફૂટેજની ચકાસણી દરમિયાન ધ્યાને આવેલા ગેરરીતિના કેસ અને ઉત્તરવહી મૂલ્યાંકન દરમિયાન ધ્યાને આવેલા સામૂહિક કોપી કેસના નિકાલ માટે પરીક્ષા સમિતિની બેઠકમાં હિયરીંગ કરી નિર્ણય લેવામાં આવતા હોય છે.
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિ બોલાવી ગુણદોષના આધારે નિર્ણય કરવા માટે ચૂંટણી આચાર સંહિતાને કારણે શિક્ષણ બોર્ડે ૧૦ દિવસ પહેલા ચૂંટણી પંચને મંજૂરી માટે દરખાસ્ત કરી છે, જેનો કોઈ પ્રત્યુત્તર શિક્ષણ બોર્ડને નહીં મળવાને કારણે પરીક્ષા ગેરરીતિનો મામલો અટક્યો છે. ઉલ્લેખનીય છે કે, દર વખતે અમુક નિર્દોષ વિદ્યાર્થીઓ નિર્દોષ છૂટતા હોય છે.
તેનું પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે. આવા નિર્દોષ વિદ્યાર્થીઓની કારકીર્દિનો પ્રશ્ન ઊભો થયો છે. આ વખતે પરીક્ષા સમિતિ ચૂંટણી આચાર સંહિતાને કારણે મળી શકી ન હોય આ મામલો ગુંચવાયો છે. શિક્ષણ બોર્ડની પરીક્ષા વખતે ૪૨ જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાતા તેમની સામે કોપી કેસ કરાયો હતો.