વાંધરોલી પગાર કેન્દ્ર શાળામાં લાઈફ સ્કિલ પ્રવૃત્તિ અને બાલમેળો યોજાયો
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વાંધરોલી પે-સેન્ટર શાળામાં ધોરણઃ- ૧ થી ૫ માં બાલમેળો અને ૬ થી ૮ મા લાઈફ સ્કિલની વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. આચાર્યશ્રી નરેન્દ્રભાઈ માયાવંસી અને શાળા શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાલમેળો એટલે એવો કાર્યક્રમ કે જેમાં આનંદ જ આનંદ હોય છે. બાલમેળો બાળકો માટે એક એવું આકર્ષણ છે કે જે બાળકોને શાળામાં આવવા માટે અને શાળામાં રોકાવા માટે પ્રેરણા પુરી પાડે છે. બાલમેલામાં એવી પ્રવૃત્તિઓ હોય છે કે જે બાળકોને કરવી ગમતી હોય છે.
બાળક શાળામાં આવતા જ એવું વિચારે કે આજે શાળામાં કઈક નવું કરવા અને જાણવા મળશે. આચાર્યશ્રી દ્વારા બાળકોને જીવનમાં આ પ્રવૃત્તિઓથી આનંદ મળે, નવીન શીખવાનો આનંદ સહ, સુષુપ્ત શક્તિઓ ખીલવાની વાત કરી બાળકોને સમજ આપી હતી. આ પ્રવૃત્તિઓ એસ.એમ.સીના અધ્યક્ષ, વાલી સભ્યોએ જોઈ ખૂબ જ સંતોષ અનુભવ્યો હતો. જેમાં બાળકો દ્વારા બનાવાયેલ વસ્તુઓનું પ્રદર્શન, વૈજ્ઞાનિક પ્રયોગો, છાપકામ, ચીટક કામ, જીવન કૌશલ્યોની પ્રવૃત્તિ, પુસ્તક પ્રદર્શન, પ્રોજેક્ટ વર્ક પ્રદર્શન પર્યાવરણ જાળવણી, અભિનય-ગીત સંગીત તથા આધુનિક યુગને અનુરૂપ સેરામીક વર્ક રાખવામાં આવ્યા હતા. આમ, શાળાના બાળકોએ ઉત્સાહિત થઈ તમામ પ્રવૃત્તિઓમા ભાગ લઈ તેની ફાઈલ બનાવવામાં આવી હતી. તેનું સુંદર સંકલન રાજેશભાઇ અને બ્રિજેશભાઈએ કર્યું હતું.