વાંધાજનક પોસ્ટ મૂકવા બદલ બે સામે FIR દાખલ
નાગપુર, મહારાષ્ટ્રના કામટી ખાતે વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને તણાવની સ્થિતિ સર્જાઈ છે. પોલીસ સ્ટેશન બહાર લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. ત્યારબાદ એક મહિલા અને એક પુરુષ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. તોફાનીઓને નિયંત્રણમાં લેવા માટે પોલીસ દળની તૈનાતી પણ કરવામાં આવી છે.
પોલીસે લોકોને શાંતિ જાળવી રાખવા વિનંતી કરી છે. આ ઘટના નાગપુર શહેરથી લગભગ ૨૦ કિલોમીટરના અંતરે કામટી ટાઉનમાં બની છે. અધિકારીઓએ સોમવારે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ન્યુ કામટી પોલીસ સ્ટેશન બહાર એક સમુદાયના અનેક સભ્યો પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈ ગયા હતા અને સોશિયલ મીડિયા પર કથિત અપમાનજનક પોસ્ટને લઈને બે લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી.
ન્યુ કામટી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ એક વોટ્સએપ ગ્રુપ પર કથિત રીતે એક ધર્મને બદનામ કરતો એક મેસેજ શેર કર્યો હતો. પુરુષે એક અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાના સમર્થનમાં મેસેજ લખ્યો હતો.આ સમગ્ર ઘટનાને લઈને કામટીમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. એક સમુદાયના અનેક સભ્યો ન્યુ કામટી પોલીસ સ્ટેશન બહાર એકઠા થઈને બંનેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ગુસ્સે ભરાયેલી ભીડને શાંત કરી હતી. તેમણે જણાવ્યું કે, શનિવારે મોડી રાત્રે કરવામાં આવેલી પોસ્ટ મામલે બંનેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. કાયદા વ્યવસ્થાની સ્થિતિ બનાવી રાખવા માટે કામટીમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસે લોકોને શાંતિ જાળવી રાખવા વિનંતી કરી છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે પયગંબર મોહમ્મદને લઈને બીજેપી નેતા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને દેશના ઘણા વિસ્તારોમાં પ્રદર્શન, તોડફોડ, હિંસા અને તણાવની ખબરો સામે આવી છે. શુક્રવારની નમાજ બાદ લગભગ ૧૨ શહેરોમાં હિંસક પ્રદર્શન થયું હતું.ss2kp