વાંસદામાં કોરોના બાદ અસ્થિર મગજના યુવાનનો આપઘાત
વાંસદા, કોરોના મહામારીએ અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. વૃક્ષ પર જુવાનજોધ દિકરાની લાશ લટકતી જોઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેની નજીકની જ ડાળી પર લટકી જઈને જીવનનો અંત આણ્યો હતો.
કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં મૃતક યુવાનની બહેને શોધખોળ આદરી હતી. એ દરમિયાન આંબાના ઝાડ પર ભાઈ અને તેની બાજુમાં જ માતા-પિતાના મૃતદેહ લટકતા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં મોળાઆંબા ગામ અને વાંસદા તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતક યુવાનની પત્ની તથા ત્રણ વર્ષની બાળકીના કલ્પાંતથી ગમગીની વ્યાપી હતી.
વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં ગોપજી ઘોટાળ રહેતા હતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલાં પુત્ર યોગેશને કોરોના થયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. જોકે સારવાર બાદ યોગેશ માનસિક રીતે અસ્થિર થઇ ગયો હતો અને ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતાએ તેને આપઘાત કરતા રોક્યો હતો અને આ બાબતે સતત તકેદારી રાખતાં હતાં.