Western Times News

Gujarati News

વાંસમાંથી બેટ બનાવવાના વિચારને MCA એ નકાર્યો

લંડન: વાંસમાંથી બેટ બનાવવાના વિચારને એમસીસી( મેર્લીબોન ક્રિકેટ ક્લબ)એ નકારી કાઢ્યો છે. તેનું કહેવું છે કે ક્રિકેટના વર્તમાન નિયમો મુજબ આ બાબત ગેરકાયદેસર કહેવાશે. તેની સાથે તેણે ઉમેર્યુ હતું કે તે લોની સબ કમિટીની બેઠકમાં તેના પર ચર્ચા કરવા તૈયાર છે.

વિલોમાંથી બનતા બેટને ટક્કર આપવા માટે હવે વાંસના બેટ આવી શકે છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકની વાત માનવામાં આવે તો આ વાત સાચી છે. પરંપરાગત ક્રિકેટ બેટ હાલમાં ઇંગ્લેન્ડ કે કાશ્મીરમાં મળતા વિલોમાંથી બને છે. પરંતુ વાંસ તેનો સસ્તો વિકલ્પ બની શકે છે, એમ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં દર્શિલ શાહ અને બેન ટિન્કલેર ડેવિસના અભ્યાસમાં જણાવાયું છે. શાહને ટાંકીને ટાઇમ્સે જણાવ્યું હતું કે વાંસના બનેલા બેટનો સ્વીટ સ્પોટ (બોલ બેટના જે ભાગને લાગતા દૂર જાય છે તે હિસ્સો) યોર્કર જેવા દડાને બાઉન્ડ્રી બહાર મોકલવા વધારે ઉપયોગી છે, આ સિવાય તેના વડે અનેક સ્ટ્રોક સરળતાથી ફટકારી શકાય છે.

ક્રિકેટમાં વર્તમાન નિયમ ૫.૩.૨ મુજબ બેટની ધાર લાકડાની જ હોવી જાેઈએ. હવે જાે વાંસને વિલોના વિકલ્પ તરીકે સ્વીકારવામાં આવે તો કાયદો બદલવો પડે. આમ ફક્ત વાંસ માટે કંઈ નિયમ ન બદલી શકાય. હવે જાે વાંસને લાકડા તરીકે પણ માન્યતા આપવામાં આવે તો પણ વર્તમાન કાયદા હેઠળ તે હજી પણ ગેરકાયદેસર મનાશે, કારણ કે તેના હેઠળ બેટની ધારનું લેમિનેશન કરી શકાતું નથી.

ગાર્ડિયન મુજબ હાલમાં ઇંગ્લિશ વિલોના પુરવઠાના મોરચે તકલીફ છે ત્યારે વાંસમાંથી બનેલુ બેટ સસ્તો વિકલ્પ બની શકે છે. વિલોના વૃક્ષને વિકસાવવામાં ૧૫ વર્ષ જાય છે, તેની લણણી પછી નવા વૃક્ષો પણ વાવવા પડે છે. આ ઉપરાંત બેટ બનાવતી વખતે ૧૫થી ૩૦ ટકા જેટલું લાકડુ પણ નકામું જાય છે. તેની સામે વાંસનું વૃક્ષ સાત વર્ષમાં તૈયાર થઈ જાય છે. તેમા ખાસ માવજતની જરૃર પણ પડતી નથી.

ડો. શાહનું માનવું છે કે વાંસ સસ્તો છે, તે ઝડપથી વિકસે છે અને વધારે ટકાઉ છે. વાંસ હાલમાં ક્રિકેટ રમી રહેલા નવા દેશો ચીન, જાપાન અને સાઉથ અમેરિકામાં પણ ઉપલબ્ધ છે. સ્પોર્ટ્‌સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી પરના લેખમાં બંનેએ જણાવ્યું હતું કે વાંસની ડાળખીની પટ્ટીઓમાંથી બનાવવામાં આવેલી પ્રોટોટાઇપ બ્લેડ રેસિન એડહેસિવની મદદથી એકબીજાને વળગી રહે છે અને તેનું સ્તર બનાવે છે. સંશોધકોનું તારણ છે કે વાંસમાંથી બનેલું બેટ વિલોની તુલનાએ વધારે કડક, ચુસ્ત અને મજબૂત હોય છે. વાંસમાંથી બનેલુ બેટ વિલોમાંથી બનતા બેટ કરતાં ભારે હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.