વાઇબ્રન્ટ ગુજરાતઃ દુનિયાના ૯ દેશો કન્ટ્રી પાર્ટનર બનવા માટે તૈયાર થયા
ગાંધીનગર, વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૨ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજવા તડામાર તૈયારી શરૂ થઇ છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અન્ય રાજ્યોમાં રોડ-શો સહિત વિદેશી મૂડીરોકાણ ગુજરાતમાં લાવવા ઉદ્યોગકારો સાથે વન-ટુ-વન બેઠક સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં સરકાર અને સાથે વહીવટીતંત્ર ખાસ કરીને ઉદ્યોગવિભાગના ઉચ્ચઅધિકારીઓ વ્યસ્ત બન્યા છે.
સરકાર અને ઉદ્યોગ સહિતના વિભાગના પ્રયાસથી નવ દેશોએ વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૨ માટે કન્ટ્રી પાર્ટનર બનવા માટે તૈયારી દર્શાવી છે.જેમાં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક,પોલેન્ડ,જાપાન,દક્ષિણ કોરિયા,નેધરલેન્ડ,ફીનલેન્ડ,સ્વીડન અને ઇઝરાયેલ સમાવેશ થાય છે.
જાે કે યુએઇ – ફ્રાન્સ અને કેનેડા જેવા દેશોએ આ વર્ષે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી.પરંતુ આગામી સમયમાં રજીસ્ટ્રેશન કરાવવાની દિશામાં તેઓ સાથે પ્રયાસ થઇ રહ્યાં છે. કન્ટ્રી પાર્ટનર ઉપરાંત ૫ હજાર ૯૪૪ વ્યક્તિગત રોકાણકારોએ ગુજરાતમાં મૂડીરોકાણ માટે તત્પરતા દાખવી છે.
જ્યારે ૪ હજાર ૬૧૪ કંપનીઓએ પણ ગુજરાતમાં આવવા ઉત્સુક્તા દાખવી રજીસ્ટ્રેશન કરાવતાં વહીવટીતંત્ર અને સરકારે રાહતનો દમ લીધો છે.ગુજરાતમાં ભલે કોરોના અને ઓમીક્રોનનો ખતરો સતાવી રહ્યો છે. આમ છતાં ગુજરાતમાં રોકાણ કરવા અન્ય રાજ્યો અને દેશના રોકાણકારોએ શ્રેષ્ઠ રૂચિ દાખવતાં હજી વાઇબ્રન્ટ ગુજરાત – ૨૦૨૨ માટે સારા પરિણામ મળવાની આશા છે.
ગાંધીનગર હેલીપેડ ખાતે ૧૦ થી ૧૩ જાન્યુઆરી-૨૦૨૨ સુધી આયોજીત ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લેવા માટે પણ સરકાર અને ઉદ્યોગવિભાગે કવાયત હાથ ધરી છે. પરિણામે કોરોના-ઓમીક્રોનની કોઇ અસર વિના વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૨૨ સફળ બનાવવા પ્રયાસ તેજ બન્યા છે.પરંતુ વિદેશના મહાનુભાવો ગુજરાતના અતિથિ બને ત્યારે પૂરતી કાળજી દાખવવી જરૂરી રહેશે આ હેતુ પણ તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે.HS