Western Times News

Gujarati News

વાઇબ્રન્ટ ગુજરાત- વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં 449 કરોડના  ૫૪૬એમ.ઓ.યુ થયા

પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટનો કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન

પોરબંદર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની વિપુલ તકો રહેલી છે -મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

વાઇબ્રન્ટ- ગુજરાત વાઇબ્રન્ટ પોરબંદર  અંતર્ગત આજે પોરબંદરમાં તાજાવાલા હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને  જિલ્લા વહીવટી તંત્ર-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં ફિશરીઝ,પ્રવાસન,પોર્ટ,મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ રૂ. ૪૪૯ કરોડના  ૫૪૬એમ.ઓ.યુ થયા હતા.

પોરબંદર જિલ્લાની વાઇબ્રન્ટ સમિટમાં પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં આજે થયેલા એમઓયુ થી વધુ યુવાનોને રોજગારી મળશે. તેઓએ ઉદ્યોગ સાહસિકોને આવકારી પોરબંદર જિલ્લામાં જરૂરી માળખાગત વિકાસ પણ કરવામાં આવશે તેમ જણાવી રાજ્ય સરકારના ઔદ્યોગિક વિકાસના વિઝન સાથે રોકાણકારો માટે ગુજરાતમાં ઉપલબ્ધ અનુકૂળતાઓની માહિતી આપી હતી.

મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના દિશા દર્શનમાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી ગુજરાત વાઇબ્રન્ટમાં ગુજરાતના વધારે વિકાસ ના આયામો સાથે વિકાસની સિદ્ધિઓ હાંસલ થવાની છે ત્યારે જિલ્લા સમીટની  સફળતા અંગે કલેકટરની- જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.

મંત્રી શ્રી એ પોરબંદર માંથી બહાર ગયેલા ઉદ્યોગસાહસિકોને ફરી પોરબંદર આવવા તેમજ પોરબંદર જિલ્લામાં વિકાસની જે તકો રહેલી છે તે જણાવી ફીસરીઝ એગ્રીકલ્ચર અને ટુરિઝમ ક્ષેત્રે વિકાસ માટે સૌના સહકારથી આગળ વધવા આહવાન કર્યું હતું.

રાજ્યસભાના સાંસદ અને પોરબંદર જિલ્લાના વતની-  ઉદ્યોગ સાહસિક શ્રી રામભાઈ મોકરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશ વિકસિત થાય, વધુને વધુ ઉદ્યોગો રાજ્ય અને પોરબંદરમાં આવે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત દ્વારા જિલ્લા અને રાજ્યમાં ઉદ્યોગ સાહસિકો વધુ રોકાણ કરે તે માટે કાર્યરત છે. આ તકે સાંસદ શ્રી એ ધંધામાં પ્રમાણિકતા ખૂબ જ જરૂરી છે તેમ જણાવી કહ્યું હતું કે, સર્વિસ યુનિટ, ટુરિસ્ટ ગાઈડ સહિતના ક્ષેત્રે રોકાણ વગર પણ આર્થિક ઉપાર્જન કરી શકાય છે.

ધંધો શરૂ કરવા માટે સાહસ ખૂબ જ જરૂરી હોય છે. રાજ્ય તથા કેન્દ્ર સરકાર ઉદ્યોગ સાહસિકો માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે. પોરબંદરમાં મોટા ઉદ્યોગો આવે તથા અહીંના નાના ઉદ્યોગો પણ વધુ પ્રમાણમાં વિકસે તે માટે આપણે સાથે મળીને પ્રયાસ કરીએ તેમ જણાવી તેમની સાહસિકતા- સફળતામાં જરૂરી મહેનત અને સંદર્ભ સાથે તેઓએ નવ યુવાનોને  માર્ગદર્શન મળશે તેમ પણ જણાવ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર શ્રી કે.ડી.લાખાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત છેલ્લા ૨૦ વર્ષથી ચાલતી વિકાસની સતત પ્રક્રિયા છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઇબ્રન્ટના માધ્યમથી ઉદ્યોગ સાહસિકો મૂડી રોકાણ કરી રહ્યા છે. પોરબંદરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીની કોઈ ખોટ નથી. વિકાસની પૂરતી તકો પોરબંદર પાસે છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે અનેક યોજનાઓ કાર્યરત છે. પોરબંદરમાં પ્રવાસન વિકાસ માટે રોડ મેપ તૈયાર છે અને રાજ્ય ને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને પોરબંદર જિલ્લાનું ટુરીઝમ સેક્ટરને વધુ મજબૂત કરવું છે તેમ પણ કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું. કલેકટરે ઉદ્યોગ સાહસિકોને વેલકમ ટુ પોરબંદર કહી એમના વિઝનને જિલ્લા વહીવટી તંત્ર તથા રાજ્ય સરકાર પાસે લઈ આવવા કહ્યું હતું. સરકાર અને તંત્ર તમારી સાથે છે તેમ કલેક્ટરશ્રીએ ઉધોગ સહસિકોને જણાવ્યું હતું.

કલેક્ટર શ્રી એ પોરબંદર ની નવી પેઢી અનુભવીઓ પાસેથી શીખીને આગળ આવી રહી છે તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.પોરબંદર જિલ્લાનું વહીવટી તંત્ર ઔદ્યોગિક વિકાસ માટે કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. કલેક્ટર શ્રી એ પોરબંદર જિલ્લામાં રોકાણ માટે ઉત્સુક એવા તમામ ઉદ્યોગ સાહસીકોને અભિનંદન આપ્યા હતા. પોરબંદર જિલ્લામાં શાંતિ સુરક્ષા છે અને વહીવટી તેમજ ટેકનીકલ બાબતોમાં સંબંધિત કચેરીઓ દ્વારા તમામ સહકાર મળશે તેવી ખાત્રી આપી હતી.

આ તકે ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં વિકાસની અનેક સંભાવનાઓ છે. નાનજી કાલિદાસ મહેતા અને અન્ય પૂર્વ ઉદ્યોગપતિઓને ને યાદ કરીને તેઓ હવે નવી પેઢી પણ પોરબંદર જિલ્લામાં રોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરે તે માટે જણાવ્યું હતું. દ્વારકા અને સોમનાથ ની વચ્ચે પોરબંદર હોય અહીં પ્રવાસન વિકાસની અનેક તકો છે તેમ જણાવી પ્રવાસનમાં પોરબંદર જિલ્લામાં થયેલા રોકાણ એમ ઓ યુ અંગે તેમજ સમગ્ર કાર્યક્રમના આયોજન અંગે જિલ્લાની ટીમને અભિનંદન આપ્યા હતા. સૌના સાથ સહકારથી પોરબંદર જિલ્લાનો ઔદ્યોગિક વિકાસ માટે આગળ આવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસનો પાયો નખાયો છે. હાલ રાજ્ય સરકાર પણ વાઇબ્રન્ટ ગુજરાત ના માધ્યમથી રોકાણકારોને આવકારી રહી છે. પોરબંદર જિલ્લામાં ફીસરીઝ તેમજ પ્રવાસન અને ખેતી તેમજ અન્ય સેક્ટર મા વિકાસ થઈ રહ્યો છે તેમ જણાવી રાજ્ય સરકાર દ્વારા તમામ સુવિધાઓ અને યોજનાઓ ઉપલબ્ધ છે તેમ કહી ઔદ્યોગિક સાહસિકોને આવકાર્યા હતા.

સમગ્ર કાર્યક્રમના સંકલન સાથે પોરબંદરનાસંયુક્ત ઉદ્યોગ કમિશનર શ્રી ધર્મેશ પરમારે શાબ્દિક સ્વાગત કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ઉપલબ્ધ વિગતો આપી જિલ્લા વાઇબ્રન્ટ સમિટ માં ઔદ્યોગિક સાહસિકોને આવકાર્યા હતા.

આ કાર્યક્રમમાં એક કરોડથી માંડીને વિવિધ મોટી રકમની ઔદ્યોગિક સાહસિકોની લોન અને સહાય  તેમજ માનવ કલ્યાણ યોજના ના ૨૮  લાભાર્થીઓને  કીટ અર્પણ કરવામાં આવી હતી.

આ તકે પોરબંદર જિલ્લામાં રોકાણ કરનાર ઉદ્યોગ સાહસિકોએ પોતાના વિચારો રજૂ કરી પોતાના ઉદ્યોગની રૂપરેખા આપવાની સાથે રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ પોરબંદર કાર્યક્રમ દ્વારા જિલ્લામાં વિકાસ અને રોજગારીની વિવિધ નવી તકો ઉભી થશે તેમ જણાવ્યું હતું. ઉદ્યોગ સાહસિકો પૈકી શ્રી નંદન ભાઈ કિલ્પાણી, શ્રી ચેતન ભાઈ શાહ, સતિષભાઈ પંડિત, પ્રીતેશભાઈ સોલંકી, કાનજીભાઈ જુંગી, સુમિત ભાઈ સલેટ તથા ચિરાગભાઈ કક્કડે પોતાના પ્રતિભાવો આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી અને પૂર્વીબેન વ્યાસે કર્યું હતું.

કાર્યક્રમ બાદ તાજા વાલા હોલના ગ્રાઉન્ડ ફલોર પર ઔદ્યોગિક સાહસિકો, સ્વ સહાય  જૂથ સહિત નવા વિઝન સાથે સ્ટાર્ટ અપ ઉદ્યમીઓના સ્ટોલ, હસ્તકલા અને વિવિધ યોજનાની માહિતી સહિત એક્ઝિબિશનનું પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અને મહાનુભાવો એ ઉદ્ઘાટન કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન તિવારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે .બી. ઠક્કર, જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી, ડીઆરડીએ ના નિયામક રેખાબા સરવૈયા તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ અને ઔદ્યોગિક સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.