વાઇ, આંચકી-ખેંચના દર્દીઓ સામે નોર્મલ વ્યવહાર જરૂરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/19-01-20-B-1024x652.jpg)
આજના જમાનામાં યોગ્ય સારવાર તેમજ ટેકનોલોજીની સહાયતાથી વાઇ અને આંચકી-ખેંચનું નિવારણ શકય છે
અમદાવાદ, આજના સમયમાં વાઇ, આંચકી કે ખેંચ એ બહુ ગંભીર કે મોટી બિમારી નથી, તે માત્ર આપણા કિમતી જીવનનો એક હિસ્સો છે. વાઇ, આંચકી અને ખેંચની બિમારીના ૭૫ ટકા કિસ્સામાં આ બિમારીમાંથી યોગ્ય સારવાર અને દવાના સહારે છૂટકારો મેળવી શકાય છે, તેથી સભ્યસમાજના લોકોએ વર્ષોથી વાઇ, આંચકી-ખેંચના લોકો સાથે જે સામાજિક આભડછેડ, અણગમો કે અલગતાવાદ જેવો જે વ્યવહાર કે વર્તન થાય છે તે હવે બંધ કરવા જાઇએ અને તેઓની સાથે પણ બિલકુલ નોર્મલ વ્યકિત જેવો સારો વ્યવહાર રાખવો જાઇએ. કારણ કે, તેઓ પણ નોર્મલ વ્યકિત જ છે. આજના આધુનિક અને વિકસતા જમાનામાં અત્યાધુનિક ટેકનોલોજી અને લેટેસ્ટ સારવારની મદદથી વાઇ, આંચકી અને ખેંચનું નિવારણ શકય છે
એમ આજે અમદાવાદમાં અમેરિકા, મુંબઇ, દહેરાદૂન સહિતના વિવિધ સ્થળોએથી આવેલા નિષ્ણાત એપીલેપ્ટોલોજીસ્ટ ડો.પ્રવીણા શાહ, ડો.દિપક ગોયેલ અને ડો.જહોન સ્ટર્ને જણાવ્યું હતું. ઈન્ડિયન એપીલેપ્સી એસોસીએશનનાં અમદાવાદ ચેપ્ટર અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા વાઇ, આંચકી-ખેંચના દર્દીઓ અને બાળકો તેમ જ તેમના માતા-પિતા માટે યોજાયેલા બહુ સુંદર જાગૃતિ કાર્યક્રમમાં ઉપરોકત નિષ્ણાત એપીલેપ્ટોલોજીસ્ટ્સે વધુમાં જણાવ્યું હતું કે, આ રોગનાં દર્દીઓએ આ રોગને ભૂલી જઈને જીવનમાં કેવી રીતે આગળ વધી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ રોગનાં દર્દીઓ પોતાની જે પણ આવડત હોય, હકારાત્મક પાસુ હોય તેને આગળ લાવવું જોઈએ. નિષ્ણાત એપીલેપ્ટોલોજીસ્ટ ડો.પ્રવીણા શાહ, ડો.દિપક ગોયેલ અને ડો.જહોન સ્ટર્ને ઉમેર્યું કે, આ રોગમાં દીકરીઓનો શરૂઆતથી જ ઈલાજ થાય તે જરૂરી છે. મા-બાપે દીકરીને જો આ રોગ હોય તો સામાજિક ડર રાખીને રોગને છુપાવવાની જરૂર નથી. તેના બદલે દીકરીને વધારે સારું ભણાવે અને પગભર બનાવે તે જરૂરી છે. સમયસરની તબીબી સારવારથી આ રોગ સંપૂર્ણપણે નિયંત્રણ આવી શકે છે. એપીલેપ્સી તે સામાન્ય સ્થિતિ છે તેમ સમજવું જોઈએ. પ્રત્યેક જીવિત માનવીને સમસ્યા હોય છે.
માનવજીવનમાં સમસ્યા તો રહેવાની જ. તેમાંથી કેવી રીતે આગળ વધવું તેનું નામ જીવન. એપીલેપ્સી અંગે સહેજ પણ ડર રાખવાની જરૂર નથી. દરમ્યાન અમદાવાદ મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો.મોના દેસાઇ અને જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો.પ્રણવ જાષીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વાઇ, આંચકી અને ખેંચના છ લાખથી પણ વધુ દર્દીઓ હોવાનો અંદાજ છે, જયારે સમગ્ર દેશમાં જાઇએ તો, આ આંકડો ૧૦ મિલિયનથી પણ વધુનો થવા જાય છે.
જા કે, પહેલા કરતાં બાળકોમાં વાઇ, આંચકી-ખેંચનું પ્રમાણ થોડુ વધ્યું છે, તેનું કારણ કુપોષણ અને બાળકના જન્મ વખતે તેને મગજમાં પૂરતો ઓકિસજન ના પહોંચ્યો હોય તેમ જ સખત તાવ સહિતના કારણો જવાબદાર હોઇ શકે. અલબત્ત યોગ્ય દવા અને નિયમિત સારવારના કારણે હવે આ બિમારીમાંથી મુકિત મેળવવાનું શકય બન્યું છે ત્યારે વાઈ-આંચકી-ખેંચનાં રોગનો ખોટો ડર રાખવાની જરૂર નથી અને સાવચેતીપૂર્વક તેમજ નિયમિત સારવારથી આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે.
આજના અવેરનેસ કાર્યક્રમમાં વાઇ, આંચકી-ખેંચના દર્દીઓ અને તેમના પરિવારજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા અને તેમને નિષ્ણાત તબીબો દ્વારા બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પડાયા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વાઇ, આંચકી-ખેંચના વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ઇકોન ૨૦૨૦ના ઓર્ગેનાઇઝીંગ ચેરમેન પ્રો.ડો.સુધીર શાહ અને સેક્રેટરી ડો.શાલીન શાહના નેજા હેઠળ યોજાયેલી ત્રિદિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ ઇકોન-૨૦૨૦નું આજે સમાપન થયું હતું, જે બહુ નોંધનીય બની રહી હતી.