વાગરાના કલાદરા ગામની સિમમાં ખોદકામ માટે મંજૂરી આપતા પશુપાલકોનો વિરોધ
પોલીસે સમજાવટ થી મામલો થાળે પાડ્યો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, વાગરાના કલાદરા ગામમાં પશુપાલન અને ખેતી કરી જીવન ગુજારતાં માલધારી સમાજે ખરાબાની જમીનમાં થતું ખોદકામ અટકાવી વિરોધ નોંધાવતાં ભારે ઉહાપોહની સ્થિતિ સર્જાઈ હતી જોકે પોલીસે દોડી જઈ સમજાવટ થી મામલો થાળે પાડ્યો હતો.
ભરૂચ જીલ્લામાં વાગરા ભૂસ્તર વિભાગની કાર્યવાહી થી માટી બે નંબરી ખનીજ ખનન કરતાં ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા આપવામાં આવતી માટી ખોદકામની પરવાનગી થી ખેતી અને પશુપાલન કરતાં લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે.વાગરા તાલુકાનાં દહેજ નજીક આવેલા કલાદરા ગામની સીમમાં પશુપાલન કરતાં પરિવારો સરકારી જમીન પર એકત્ર થઈ ગયા હતા.
ગામની સરકારી પડતર જમીનમાં ગામનાં જ વ્યક્તિને પંચાયત દ્વારા ૨૦૧૮ માં ઠરાવ કરી માટી ખોદકામની સરકારી મંજૂરી મળી હતી.જેની સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી સાથે ખોદકામની શરૂઆત કરતા ઢોરો સાથે મહિલાઓ તેમજ પુરુષોએ ભેગા થઈ હોબાળો મચાવી માટીનું ખોદકામ અટકાવી પંચાયત દ્વારા કરવામાં આવેલ ઠરાવ રદ્દ કરવાની માંગણી કરી હતી.ગામનાં માલધારીઓએ આ ખોદકામ થી ગામના ૨ હજાર જેટલા પશુઓનાં ઘાસચારાનો પ્રશ્ન ઉદભવશે તેવી આશકા વ્યક્ત કરી હતી.
કલાદરા ગામની સીમમાં ૧૦ થી વધુ તળાવો અને એક અગરને ગેરકાયદેસર રીતે ખોદી નાંખ્યા હોવાના આક્ષેપ સાથે માલધારીઓએ ખેતરોમાં આવનજાવન અને ઢોરોના ઘાસચારા માટે મોટી સમસ્યા ઉદભવે તેવી શંકા પણ વ્યક્ત કરી જમીન નહીં ખોદાવા દઈએ તેવી ચીમકી ઉચ્ચારી હતી.હજારો ગાયો, ઘેટાં અને બકરાઓના પેટ પાલન સામે ગંભીર સમસ્યા આગામી સમયમાં સર્જાય તેવી સ્થિતિ પેદા થઈ છે તેમ જણાવી ઠરાવ રદ્દ કરવાની માંગ કરી રહ્યા હતા.
મોટા પ્રમાણમાં માલધારીઓ ભેગા થતાં ભારે ઉહાપોહની સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે દહેજ પોલીસ નો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતા અને વિરોધ કરી રહેલા લોકોને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.