Western Times News

Gujarati News

વાગરાના વડદલામાં મોટા વૃક્ષો અને બાગ બગીચાના ફૂલ  બળવા સાથે કંપનીઓના ગ્રીન ઝોનને પણ અસર

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઔધોગિક હબ ગણાતા દહેજ પંથક માં છેલ્લા કેટલાક દિવસો થી વનસ્પતિ સૃષ્ટિ પર આફત ઉતરી હોય  વડદલા ગામની હળીયાળી નષ્ટ થઈ ગઈ છે.પાસેની કંપનીઓના ગ્રીન બેલ્ટ પણ સુકાઈ જતા ગ્રામજનો ચિંતા માં મુકાયા છે અને આ મુદ્દે તંત્ર તપાસ કરે તેમ ઈચ્છી રહ્યા છે.

દહેજ પંથક માં આવેલ વડદલા ગામ માં ઉત્સાહી સરપંચ તેમજ ગ્રામજનો એ ગામ માં સુંદર બગીચાનું નિર્માણ કર્યું  છે.જ્યાં ગ્રામજનો શુદ્ધ વાતાવરણ માં વોકિંગ અને ટોકિંગ સાથે ગામની સમસ્યાઓ કે વિકાસ ની વાતો ભેગા થઈ કરે છે.અહીં બેસવા માટે ખુરશીઓ તેમજ બેઠક કરવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.છેલ્લા કેટલાક દિવસો થી આ બગીચા ની લીલોતરી અચાનક  સુકાવા લાગી છે.મોટા મોટા વૃક્ષો પણ કાળા પડવા લાગ્યા છે.

પાસે જ આવી ગામની શાળાના વૃક્ષો પણ બળી ને  કાળા  થઈ રહ્યા છે.અચાનક વડદલા ગામની હરિયાળી  બળવા લાગતા ગ્રામજનો ચિંતા માં મુકાયા છે.આ અંગે જી.પી.સી.બી નો સંપર્ક કરવા નો પ્રયાસ કરતા કોઈ ઉત્તર મળી રહ્યો નથી.ગામ ની હરિયાળી પર થયેલો આ  રસાયણ હુમલો  છે કે પછી અન્ય કોઈ કારણ તેની કઈ જ ખબર પડતી નથી.ગ્રામજનોના સ્વાસ્થ્ય પર પણ તેની ગંભીર અસર નો ભય પણ તેમને સતાવી રહ્યો છે. ગ્રામજનો ગામ ની વનસ્પતિ સૃષ્ટિ પર આવી પડેલ આ અજાણી આફત થી આ મુદ્દે તપાસ થાય અને તેનું નિવારણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

વડદલા ગામની હરિયાળી અચાનક લીલોતરી ગુમાવી રહી છે ત્યારે નજીક ની કંપનીઓ માં પણ પર્યાવરણ જાળવણી માટે બનાવવામાં આવેલ ગ્રીન બેલ્ટ ના મહામહેનથી ઉછરેલા હજારો વૃક્ષો પણ અચાનક સુકાઈ ને કાળા થવા લાગ્યા છે.કંપની સત્તાધીશો પણ તેનાથી ચિંતિત બન્યા છે આ અંગે દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન પણ સક્રિય થઈ યોગ્ય સ્થળે રજુઆત કરી આ અત્યન્ત ગંભીર મુદ્દે તપાસ અને નિવારણ માટે ની કાર્યવાહી કરાવે તે આવશ્યક છે.

આગામી દિવસો માં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત પણ કરવામાં આવનાર છે.ત્યારે વડદલા ગામ જેવી સ્થિતિ આસપાસ ના અન્ય ગામો માં પણ ઉદભવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને તેનો વ્યાપ હજુ પણ વધે તેવી દહેશત રહેલી છે ત્યારે  તાત્કાલિક આ આફત ના નિવારણ માટે ની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે તે આવશ્યક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.