વાઘોડિયા રોડ પર મહિલાનું પાંચમા માળેથી પટકાતાં મોત
અમદાવાદ: વડોદરાના વાઘોડિયા રોડ પર તૃપ્તી રેસીડેન્સીમાં આજે એક ૩૫ વર્ષીય મહિલા પાંચમા માળેથી અચાનક પટકાતાં તેનું કરૂણ મોત નીપજયુ હતું. બનાવને પગલે સ્થાનિક રહીશોના ટોળેટોળા ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસે આ સમગ્ર પ્રકરણમાં મહિલાની આત્મહત્યા છે કે હત્યા તેને લઇને પણ તપાસનો દોર આગળ ધપાવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા તૃપ્તી રેસીડેન્સી ખાતે આજે સફાઇ કામદાર વર્ગની એક ગરીબ મહિલા કે જે રોજ આ એપાર્ટમેન્ટમાં કામ કરવા આવે છે, તે અચાનક પાંચમા માળેથી નીચે પટકાઇ હતી. આટલે ઉંચેથી જમીન પર પટકાતાની સાથે જ તે લોહીલુહાણ ખાબોચીયામાં ફસડાઇ પડી હતી.
માથામાં અને શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થવાના કારણે મહિલાનું કરૂણ મોત નીપજયું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ કરવામાં આવતાં વાઘોડિયા પોલીસ પણ ત્યાં તાત્કાલિક દોડી આવી હતી અને ઘટનાના સીસીટીવી ફુટેજ, સ્થાનિકોના નિવેદન સહિતના પાસાઓ ચકાસી સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને મહિલાની હત્યા છે કે, આત્મહત્યા તેને લઇ પોલીસે તપાસનો દોર આગળ ધપાવ્યો છે. તો, સાથે સાથે મહિલાની આત્મહત્યા કે હ્ત્યા પાછળ શું કારણ છે તે જાણવાની દિશામાં પણ તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યા હતા.