વાછરડા-વાછરડીના લગ્નમાં કોરોનાના નિયમોનાં લીરેલીરાં ઉડ્યા: ૧૦૦૦૦ લોકો ભેગા થયા

લાડવી ગામમાં વાછરડા-વાછરડીના લગ્નમાં આશિર્વાદ આપવા અધધ ૧૦૦૦૦ લોકો આવ્યા
(એજન્સી) સુરત, કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને અત્યારે રાજ્યભરમાં દરેક પ્રકારના મેળાવડાઓ પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે. લગ્નપ્રસંગોની જ વાત કરીએ તો અત્યારે માત્ર ૧૫૦ મહેમાનોની છૂટ આપવામાં આવી છે.
પરંતુ શુક્રવારના રોજ સુરતમાં જ્યારે વાછરડા અને વાછરડીના લગ્નનું આયોજન કરવામાં આવ્યું તો અહીં કોરોનાના તમામ નિયમોના લીરેલીરાં ઉડતા જાેવા મળ્યા. સુરત પાસે આવેલા લાડવી ગામમાં આ નવદંપતીને આશિર્વાદ આપવા માટે લગભગ ૧૦,૦૦૦ લોકો ભેગા થયા હતા.
ઉલ્લેખનીય છે કે વાછરડાનું નામ શંકરેશ્વર હતું અને વાછરડીનું નામ ચંદ્રમૌલી હતું. આ લગ્નમાં હાજર રહેનાર સ્વયંસેવક અને વ્યવસાયે પ્રોપર્ટી બ્રોકર વિનોદ સારસ્વત જણાવે છે કે, શુક્રવારના રોજ ૧૦,૦૦૦થી વધારે લોકોએ મંદિરની મુલાકાત લીધી હતી અને લગ્નમાં હાજરી આપી હતી. ૧૦,૦૦૦ લોકો માટે જમવાનું પણ તૈયાર કરવામાં આવ્યુ હતું.
તમામ લોકોએ ભોજનનો આનંદ લીધો હતો. આ લગ્ન માટે આમંત્રણ પત્ર પણ છપાવવામાં આવ્યા હતા. લાડવી ગામમાં શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં મંડપની પણ સ્થાપના કરવામાં આવી હતી. અમરોલીની ગાંધારી આશ્રમ ગૌશાળાથી વાછરડી ચંદ્રમૌલીને લાડવી ગામ લાવવામાં આવી હતી.
સંચાલકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાંધારી આશ્રમના મહારાજનું સપનું સાકાર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોમાંના એક જયંતી માલાણીએ જણાવ્યું કે, આ લગ્નનું આયોજન કરવું એ મહારાજનું સપનુ હતું. તમામ ગૌશાળાની ઈચ્છા હતી કે ગાયોના ઉછેર અને તેમના મહત્વ બાબતે લોકોને જાગૃત કરવા જાેઈએ.
વાછરડીને દુલ્હનની જેમ શણગારીને મંડપમાં લાવવામાં આવી હતી. જયંતી માલાણીએ કહ્યું કે, લગ્ન પછી વાછરડીએ જમવાનું બંધ કરી દીધુ હતું. સાસરીમાં તેને એકલતા ન અનુભવાય તે માટે થોડા દિવસો માટે તેની માતાને પણ લાડવી ગામ લાવવામાં આવી હતી. અમુક મહેમાનોએ લગ્નની ભેટ તરીકે ચાંદીના પાયલ, માથાનું ટીકું, કમરબંધ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ગૌશાળામાં ૩૦૦૦ પશુઓને આશ્રય મળે છે.