Western Times News

Gujarati News

વાઝે કેસ : પોલીસ-સરકારી અધિકારીને લાંચ અપાતી હતી ?

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર મળી આવેલી કાર અને ત્યારપછી વેપારી મનસુખ હિરેનની હત્યાના કેસની ચાલી રહેલી તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી રહી છે. આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએની ટીમને હવે અમુક દસ્તાવેજાે મળ્યા છે જેના અનુસાર મુંબઈ પોલીસ અને પ્રશાસનના અમુક અધિકારીઓને પૈસા ચુકવવામાં આવ્યા છે. આ પૈસા લાંચ તરીકે ચુકવ્યા હોવાની શંકા છે. કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ) દ્વારા આ દસ્તાવેજાેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નિષ્કાસિત કરવામાં આવેલા પોલીસ અધિકારી સચિન વાઝેની આ કેસમાં ભૂમિકા શું છે તેની તપાસ કરવા માટે ગુરુવારના રોજ દક્ષિણ મુંબઈના એક ક્લબમાં દરોડા પાડવામાં આવ્યા હતા,

જ્યાંથી આ દસ્તાવેજ મળી આવ્યા હતા. સચિન વાઝે ૭મી એપ્રિલ સુધી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં છે. એનઆઈએને મળી આવેલા ડોક્યુમેન્ટ્‌સમાંથી એકમાં ઓફિસના નામ અને તેની સાથે હોદ્દા સાથે અધિકારીઓના નામ લખવામાં આવેલા છે. આ સાથે જ તેમના નામની સામે રકમ પણ લખેલી છે. મહિનાના હિસાબે આ માહિતી લખવામાં આવી છે. અધિકારીઓને શંકા છે કે, ઓફિસ અને ઓફિસરના નામની સાથે લખવામાં આવેલી રકમ દર મહિને તેમને ચુકવવામાં આવતા લાંચના પૈસાની રકમ હોઈ શકે છે.

ક્લબના માલિક તેમજ અન્ય લોકો પાસેથી આ દસ્તાવેજાે બાબતે ખુલાસો માંગ્યા પછી એનઆઈએ વધારે માહિતી જણાવી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે જાે તેમને જરૂર લાગશે તો આ ડોક્યુમેન્ટ્‌સ ઈનકમ ટેક્સ અથવા સીબીઆઈને સોંપવામાં આવશે જેથી તે તપાસને આગળ વધારી શકે. ઉલ્લેખનીય છે કે, એનઆઈએ માત્ર એન્ટી-ટેરર કેસની જ તપાસ કરી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આ ક્લબની સચિન વાઝે અવારનવાર મુલાકાત લેતા હતા, જ્યાં નરેશ ગોર અને સહ-આરોપી વિનાયક શિંદે કામ કરતા હતા. અત્યારે આ બન્ને પણ એનઆઈએની કસ્ટડીમાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.