વાડજનું રેફ્યુઝ સ્ટેશન જળબંબાકાર: કચરા નિકાલમાં સમસ્યા
અમદાવાદ, (દેવેન્દ્ર શાહ)અમદાવાદ શહેર માં વહેલી સવારે થયેલા ભારે વરસાદ ના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં લોકો ના ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે.
જયારે મ્યુનિસિપલ કોર્પોરેશન ની માલિકીના વાડજ નુ રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પણ જળબંબાકાર થઈ ગયું છે. જેના કારણે કચરા નિકાલ ની સમસ્યા સર્જાઇ છે.
પશ્ચિમ ઝોન માં ડોર ટુ ડોર ઘ્વારા એકત્રિત કરવામાં આવેલા કચરા ને વાડજ રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન ખાતે ખાલી કરવામાં આવે છે. જેની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં મેટ્રો ઘ્વારા છેલ્લા દોઢ વર્ષથી માટી નાખવામાં આવી રહી છે. આ સ્થળે માટી નો ડુંગર બની ગયો છે. જેના કારણે સામાન્ય વરસાદ માં પણ રેફ્યુઝ સ્ટેશન તળાવ માં તબદીલ થઈ જાય છે.
જાણકારો ના કહેવા મુજબ ટ્રાન્સફર સ્ટેશન ની પાછળ પાણી નિકાલ માટે નાની કેનાલ છે. મેટ્રો ઘ્વારા માટી નાખવામાં આવી તે પહેલા વરસાદી પાણી નો નિકાલ તેમાં થતો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશને માટી નાખવા પરવાનગી આપી તે સમયે પણ રેફ્યુઝ સ્ટેશન થી કેનાલ સુધી પાઇપલાઇન નાખવા રજુઆત થઈ હતી. પરંતુ અધિકારીઓએ આ મામલે આંખ આડા કાન કર્યા હતા. જેના માઠા પરિણામ જોવા મળી રહયા છે.
વાડજ નું રેફ્યુઝ સ્ટેશન જળબંબાકાર થતા ડોર ટુ ડોર ની ગાડીઓ ખાલી કરવામાં તકલીફ થઈ રહી છે. તેમજ કેટલીક ગાડીઓ વાસણા રેફ્યુઝ સ્ટેશન મોકલવામાં આવી રહી છે. જેના કારણે, કચરો એકત્રિત કરવામાં વિલંબ થઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા પાણી નિકાલ માટે પમ્પ મૂકવામાં આવ્યા બાદ પણ બે દિવસ સુધી વાડજ રેફ્યુઝ સ્ટેશન બંધ રહી શકે છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.