વાડજમાં આવાસ યોજના બનાવવા જતાં લુખ્ખાઓએ ખાનગી કંપની પાસે ખંડણી માંગી
(પ્રતિનિધિ) અમદાવાદ: ઝુંપડપટ્ટીમાં રહેતા નાગરિકોના ઝુંપડા હટાવી તેમને વધુ સારા ફલેટ આપવાની સરકાર દ્વારા યોજના ચાલી રહી છે એ મુજબ શહેરના કેટલાય વિસ્તારોમાં ગરીબ નાગરિકોને પાકા મકાનો પુરા પાડી સરકારે વિસ્તારોની શકલ બદલી નાખી છે.
જાકે આવી યોજનાઓ પર કામ કરતી વખતે કેટલીક વખત સ્થાનિક અસામાજીક તત્વો દ્વારા યેનકેન પ્રકારે આ કામ રોકવાનો પ્રયાસ કરી રૂપિયા પડાવવાનું ષડયંત્ર અવારનવાર સાંભળવામાં આવી રહયું છે. ત્યારે આવાં જ રૂપિયાના લાલચુ ગેરકાયદેસર પ્રવૃતિ કરતા તત્વો વિરુધ્ધ આવાસ યોજના બનાવતા ખાનગી કંપનીના કર્મચારીએ ફરીયાદ નોંધાવતા વાડજ પોલીસે સઘન કાર્યવાહી આદરી છે.
જુના વાડજમાં રામાપીરના ટેકરા પર આવેલા ઝુંપડાઓને હટાવી ત્યાં આવાસ યોજનાના મકાનો બનાવવાના કોન્ટ્રાકટ એચ.એન સફલ ઈન્ફ્રાસ્ટ્રકચર્સને મળ્યો છે જે અંતર્ગત સફલ કંપનીએ કામગીરી શરૂ કરી ત્યારથી નરેશ માધાભાઈ મારવાડી, હરખાભાઈ માનાભાઈ વાઘેલા, રાજુ શીવાભાઈ વાઘેલા તથા ગણેશ હેમાભાઈ પરમાર નામના શખ્સો નાની-નાની બાબતોમાં ઝઘડા કરતા હતા અને અવારનવાર રૂપિયા આપે તો જ આગળ કામ કરવા દેશે તેવી વાતો કરી એટ્રોસીટીના ગુનામાં ભરાવી દેવાની ધમકીઓ આપતા હતાં.
ગઈ તા.પ ફેબ્રુઆરીએ સુપરવાઈઝર મૌલિકભાઈ બારોટ રામાપીરના ટેકરા નજીક આવેલા સેમ્પલ હાઉસમાં હાજર હતા એ સમયે રોડની માપણી કરવા માટે મ્યુનિસિપલ કર્મચારી મહેશભાઈ પટેલ, સહીત ૩ જણ આવ્યા હતા જેમની સાથે મૌલિકભાઈએ રોડની માપણીની કાર્યવાહી શરૂ કરતા નરેશ, હરખાભાઈ, રાજુ અને ગણેશ ત્યાં આવી પહોંચ્યા હતા અને કર્મચારી પાસે આઈ કાર્ડની માંગણી કરી ગાળો બોલીને કામ બંધ કરાવી દીધુ હતું.
આ અંગે મૌલિકભાઈએ પ્રતિકાર કરતા ચારેયે ફરી વખત રૂપિયાની માંગણી કરીને તેમની આંખોમાં મરચા નાખી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ ઘટના બાદ ગભરાઈ ગયેલા મૌલિકભાઈએ ઉપરી અધિકારીઓને જાણ કર્યા બાદ વાડજ પોલીસ સ્ટેશનમાં ચારેય લુખ્ખાઓ વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.