વાડજમાં પત્નીએ રૂપિયા ન આપતાં પતિએ એસિડ એટેકની ધમકી આપી

પ્રતિકાત્મક
ઘાટલોડિયામાં આડા સંબંધ ધરાવતો પતિ અવારનવાર મારઝૂડ કરતાં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યાે
અમદાવાદ: શહેરમાં મહિલાઓ સાથે ઘરેલું હિંસાના બનાવો હાલમાં વધી ગયાં છે. ખાસ કરીને તાજેતરમાં મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવતા અથવા તો મારી નાંખવાની એસિડ એટેક કરવાની ધમકીઓ આપવાનાં કિસ્સા બહાર આવ્યાં છે. જેને કારણે માનસિક રીતે ત્રસ્ત થતાં મહિલા આપઘાતનાં પ્રયાસો કરતી હોવાની ઘટના પણ બનતી હોય છે. ગુરૂવારે પણ વાડજ તથા સોલા પોલીસમાં બે ફરીયાદો નોંધાઈ છે.
રાણીપ ગણેશ સ્કૂલની બાજુમાં રહેતાં ૪૧ વર્ષીય ફાલ્ગુની બેનનાં પતિ દસેક વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા બાદ તે પોતાનાં પુત્ર-પુત્રી સાથે રહેતાં હતાં. આશરે એક વર્ષ અગાઉ શાસ્ત્રીનગર મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ ખાતે રહેતાં આતીશ દિનેશકુમાર શાહ સાથે સંપર્કમાં આવ્યા બાદ તેમની વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. એ દરમિયાન આતિશભાઈએ તેમની પાસેથી ટુકડે ટુકડે સાત લાખ રૂપિયા લીધા હતા.
ગત જાન્યુઆરીમાં બંનેએ રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા. જેનં પુરાવા આતીશે પોતાની પાસે રાખી લીધા હતા. બાદમાં આતિશ અને ફાલ્ગુનીબેન પોત પોતાનાં ઘરે રહેતાં હતાં. એ દરમિયાન આતિશભાઈએ તેમને ફોન કરીને નવું મકાન લેવાનું હોવાથી પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી. જાે કે ફાલ્ગુનીબેને તેમની પાસે રૂપિયા નહીં હોવાનું કહેતાં આતિશભાઈ વારંવાર તેમની સાથે ઝઘડો કરતાં હતા.
બે-ત્રણ દિવસ અગાઊ પણ સોસાયટીની બહાર ફાલ્ગુનીબેનને બોલાવીને આતિશભાઈએ ઝઘડો કર્યાે હતો. સોસાયટીમાં ભવાડો કરવાની ધમકીઓ આપતાં ગભરાયેલા ફાલ્ગુનીબેન તેમની સાથે વંદે માતરમ ગોતા ખાતે ગયા હતા. જ્યાં બંને વચ્ચે ફરી વખત ઝઘડો કરતાં આતિશભાઈએ તેમને ગાળો બોલીને ‘તારા મોઢા પર એસિડ ફેંકીને સળગાવી દઈશ. કોઈ જાેવે એ લાયક નદીં રાખું’ એવી ધમકીઓ આપી હતી.
એ જ વખતે ફાલ્ગુનીબેનનાં પુત્રનો ફોન આવતાં તેમણે પોતે ઘરે ન આવે તો ૧૦૦ નંબર ડાયલ કરવાનું જણાવતાં જ આતિશભાઈ ગભરાઈ ગયા હતા અને ભાગી ગયા હતાં. આ ઘટનાની જાણ તેમણે પોતાનાં પરીવારને કરી હતી. બાદમાં પતિ વિરૂદ્ધ વાડજમાં ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદ આવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. જ્યારે સોલા પોલીસની હદમાં આવતાં ઘાટલોડીયા ચાણક્યપુરી-૪ ખાતે એક મકાનમાં રહેતાં વીકી યાદવ નામનાં યુવાનના લગ્ન થઈ ગયા છતાં અન્ય યુવતી સાથે સંબંધ રાખતા હતા અને પત્ની સાથે મારકુટ કરતાં હતા. અવારનવારનાં ત્રાસને લઈને ગુરૂવારે વીકીભાઈના પત્ની અંકીતાબેન ઘરે એકલાં હતાં. ત્યારે તેમણે ઘરમાં પડેલી મોર્ટીનની અગરબત્તી ખાઈ લીધી હતી. જેનાં પગલે તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. ત્યાંથી અંકીતાબેને પતિ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતાં સોલા પોલીસે વિકીભાઈ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.