વાડજમાં સરકારી બગીચામાં ચાલતા જુગારધામનો વિડિયો વાઇરલ
અમદાવાદ: એક તરફ રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા ઉચ્ચ અધિકારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. એ માટે સ્થાનિક સ્તરે પણ પોલીસને સૂચના આપવામાં આવી છે અને તેનો કડક અમલ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. તેમ છતાં આવી પ્રવૃત્તિઓ ડામવામાં પોલીસ તંત્ર સરેઆમ નિષ્ફળ નીવડ્યું છે.
સ્થાનિક પોલીસને આદેશ છતાં કેટલીય વાર ACP કક્ષાના અધિકારીઓની ટીમો તથા અન્ય એજન્સીઓ એ દરોડા પાડીને કાર્યવાહી કરવી પડે છે. આ પરિસ્થિતિમાં હાલમાં પણ દારૂ જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ શહેરભરમાં ચાલી રહી છે. જે પ્રત્યે શંકાસ્પદ રીતે પોલીસ તંત્ર દ્વારા નિષ્ક્રિયતા બતાવવામાં આવી છે.
આ સ્થિતિમાં હાલમાં સોશીયલ મીડિયા પર જાહેરમાં જુગાર રમતા કેટલાક શખ્સોનો વિડિયો વાઇરલ થયો છે. જેમાં આઠથી દસ જેટલા શખ્સો બિન્દાસ્ત રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા દેખાઈ રહ્યા છે. સૂત્રો અનુસાર આ વીડિયો અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા સોરાબજી કમ્પાઉન્ડનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે સરકારી ઉદ્યાનનો આ રીતે ઉપયોગ થયો જોઈને નાગરિકો ઉપરાંત પોલીસ તથા સરકારી તંત્રમાં પણ હડકંપ મચી છે અને આ વીડિયોનું તથ્ય તપાસવાના આદેશો આપવામાં આવ્યા છે.