વાડજ પોલીસે જુગારધામ પર દરોડો પાડી ચાર મહીલા સહીત ૧પને ઝડપી લીધા
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સરદારનગર તથા વાડજ વિસ્તારમાં જુગારધામો પર દરોડો પાડીને પોલીસે કુલ ર૪ જુગારીઓની અટક કરી છે વાડજ વિસ્તારમાં ચાલતા જુગારધામ પરથી પકડાયેલા આરોપીઓમાં મહીલાઓ પણ સામેલ છે.
વાડજ વિસ્તારમાં થયેલી કાર્યવાહીની વિગત એવી છે કે પોલીસ પેટ્રોલિંગમાં હતી એ સમયે બાતમી મળતાં રવિવારે રાત્રે અઢી વાગ્યાના સુમારે સોરાબજી કંપાઉન્ડ નજીક આવેલા ગાંધીનગરના ટેકરા ખાતે દરોડો પાડયો હતો અને ચાર મહીલા સહીત કુલ પંદર જુગારીઓને ઝડપી લીધા હતા ઉપરાંત રોકડ તથા મોબાઈલ ફોન સહીત કુલ સાઈઠ હજારથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.
જયારે સરદારનગર પોલીસે પણ આવી જ કાર્યવાહી નહેરુનગરના છાપરા, સરદારનગર ખાતે માયા લાખાનીના જુગારધામ પર દરોડો પાડયો હતો અને ત્યાંથી પણ પાંચ મહીલાઓ સહીત નવ જુગારીઓને પકડી લીધા હતા જેમાં મોટાભાગના સરદારનગરના રહેવાસી છે. પોલીસે આ સ્થળેથી પણ દાવના નાણાં તથા સાત મોબાઈલ ફોન સહીત કુલ પાંચ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ વિરુધ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.