વાપીમાં પરણિતાનું રહસ્યમય મોત થતા ચકચાર મચી ગઇ
વાપી: વાપીના ચણોદ કોલોની સ્થિત ભાનુશાલીની વાડીની બાજુમાં આવેલા સહજાનંદ બિલ્ડીંગના એ-૧૦૧માં રહેતા લાલજીભાઇ ભાનુશાલી મુળ.ગામ-વમોઠી મોટી તા.અબડાસા જી.કચ્છ ની પુત્રી જીનલ ઉ.વ.૨૩ ના લગ્ન ૯ મહિના પહેલા મુંબઇના કલ્યાણ ખાતે રહેતા મેહુલ ભાનુશાલી સાથે થયા હતા. લગ્નના થોડા માસ બાદ પુત્રીએ પિતાને ફોન કરી જણાવેલ કે, તેને સાસરે રહેતા ૯ માસ થઇ ગયા છે અને વાપી પિયરમાં થોડા દિવસ રહેવા માંગે છે. જેથી ૨૫ દિવસ અગાઉ લાલજીભાઇ પુત્રી જીનલને વાપીમાં પોતાના ઘરે લઇ આવ્યા હતા.
લાલજીભાઇ પોતાની ચણોદ ગામ દેસાઇવાડ ખાતે આવેલી કરિયાણાની દુકાનથી ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારે તેમની પત્નીએ જણાવેલ કે, જમાઇ મેહુલનો ફોન આવ્યો હતો અને જીનલને આજે ૨૫ દિવસ થઇ ગયા છે જેથી તેને પરત મુંબઇ આવવા કહેતા હતા. જેથી પિતાએ પુત્રીને કહ્યું હતું કે, આવતી કાલે હું તને સાસરે છોડી આવીશ. તેમ કહીને લાલજીભાઇ જમીને પોતાની દુકાને જવા નીકળી ગયા હતા. તેઓ દુકાન પહોંચે તે પહેલા રસ્તામાં જ તેમની પત્નીએ ફોન કરી જણાવેલ કે, જીનલે બેડરૂમનો દરવાજાે બંધ કરી લીધેલો છે અને બૂમ મારવા છતાં ખોલતી નથી. જેથી તેઓ પરત ઘરે આવવા નિકળ્યા હતા.
દરવાજાે ખખડાવતા અંદરથી કોઇ જવાબ મળ્યો ન હતો. પરિવરજનોએ બળ પૂર્વક દરવાજાે તોડી દેતા અંદર પુત્રી જીનલ પંખાથી લટકતી હાલતમાં મળી આવી હતી. પંખાથી સાડી કાપી જીનલને નીચે ઉતારી પરિવારે તાત્કાલિક ૧૦૮ની મદદથી ચણોદ સ્થિત ઉષા શેલ્બી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પર હાજર તબીબે ચકાસણી કરી તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે વાપી જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસે લાશને પીએમ માટે મોકલાવી આપઘાત પાછળનું સાચું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.