વાપી નગરપાલિકાના જૂના વલસાડ રોડ વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાતા કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરાયા
વલસાડઃ વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાં જૂના વલસાડ રોડ ખાતે આવેલા સ્ટરલિંગ ટાવર બી-વીંગ ખાતે કોરોના પોઝીટીવ કેસ જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ તાત્કાલિક અસરથી એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી તા.૧૦/૦૭/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે અનુસાર વલસાડ જિલ્લાના વાપી જૂના વલસાડ રોડ ખાતે આવેલા સ્ટરલિંગ ટાવર બી-વીંગને એ.પી.સેન્ટર તેમજ સ્ટરલિંગ ટાવરના એ-વીંગ અને બી -વીંગના તમામ હદ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરી ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ વિસ્તારના રહેવાસીઓને આવશ્યક ચીજવસ્તુઓ ચીફઓફિસર, વાપી દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડશે.
આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા વ્યક્તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે તેઓ તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરના વ્યક્તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.