વાપી રેલવે સ્ટેશન પરથી બે મહિનાનું બાળક મળ્યું
વાપી: વલસાડ જિલ્લાના વાપી રેલવે સ્ટેશન પરથી શુક્રવારે બપોરે બે મહિનાનું બાળક ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું. વાપી રેલવે સ્ટેશને ફરજ બજાવતા જવાનોને નવજાત બાળક મળી આવતાં તેમણે તાત્કાલિક તેના માતા-પિતાની શોધખોળ આદરી હતી. હાલ બાળકનું ધ્યાન મહિલાકર્મીઓ રાખી રહ્યા છે.
શુક્રવારે બપોરે જવાનો વાપી રેલવે સ્ટેશન પર ઉભેલી માલ ગાડીના સીલ ચેક કરી રહ્યા હતા. ત્યારે તેમને ગાડીના પૈડા વચ્ચેથી રડવાનો અવાજ સંભળાયો હતો. તેમણે ચેક કર્યું તો ત્યાં પૈડા પાસે કપડામાં લપેટાયેલું ૨ મહિનાનું બાળક પડ્યું હતું. જવાનોએ તેના માતા-પિતાને શોધવાના ઘણા પ્રયાસો કર્યા હતા.
પરંતુ તેમને સફળતા મળી નહીં. અંતે વાપી રેલવે સ્ટેશને અનાઉન્સમેન્ટ પણ કરાવ્યું હતું અને તેના માતા-પિતાને શોધવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં કોઈ આવ્યું નહીં. બાળકના માતા-પિતાની ભાળ ન મળતાં વાપી પોલિસનો સંપર્ક કરીને બાળકનો કબ્જાે સોંપવામાં આવ્યો હતો.
હવે પોલીસે વાપી રેલવે સ્ટેશન પર લગાવેલા સીસીટીવી ફૂટેજની મદદ મેળવીને બાળકના માતા-પિતાને શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. વાપી ય્ઇઁની ટીમે મહિલા જવાનોને બાળકની દેખરેખ માટે જવાબદારી સોંપી છે. તો બીજી તરફ મહિલા જવાન પણ બાળકને દૂધ પીવડાવવાથી લઈને તેને રમાડવા સુધીની દરેક બાબતનું ધ્યાન રાખી રહી છે.