વાયરસને નષ્ટ કરવા પીપીઈ કીટ-માસ્ક માટેનું ફેબ્રિક તૈયાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/PPEkits-may5-scaled.jpg)
પ્રતિકાત્મક
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે હિમાચલ પ્રદેશની આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ પીપીઈ કીટ અને માસ્ક માટે એક એવું ફેબ્રિક તૈયાર કર્યું છે જે કોરોના વાયરસને નષ્ટ કરવામાં સક્ષમ હશે. આ પ્રકારના કાપડમાંથી બનેલું એક માસ્ક ૩૦ રૂપિયામાં તૈયાર થશે જ્યારે કીટના વિશેષ કાપડની કિંમત પ્રતિ સ્ક્વેર સેમી ૨.૫થી ૩ રૂપિયા હશે. આ ફેબ્રિકથી બનેલી કીટનો ઉપયોગ સાધારણ કપડાની જેમ વારંવાર કરી શકાશે. તડકામાં રાખવાથી આ મટીરિયલ પોતાની સફાઈ કરવા સક્ષમ બનશે.
આ ફેબ્રિકથી શ્વાસ લેવાની ક્ષમતામાં કોઈ ઘટાડો નહીં થાય. આઈઆઈટી મંડીની સ્કુલ ઓફ બેઝિક સાયન્સના સંશોધકોએ આ જાેરદાર શોધ કરી છે. સંશોધન પ્રમાણે આ ફેબ્રિકથી બનેલી પીપીઈ કીટ અને માસ્કને ૬૦ વખત ધોવામાં આવે ત્યાર બાદ પણ તેની ઉત્તમ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા જળવાઈ રહેશે. આ ફેબ્રિકમાં મોલિબ્ડેનમ સલ્ફાઈડ, એમઓએસ૨ના નેનોમીટર આકારની શીટ સામેલ કરવામાં આવી છે.
તેના ધારદાર કિનારા અને ખૂણા ચપ્પાની જેમ બેક્ટેરિયા અને વાયરલ પટલનો છેદ કરી તેને મારી નાખે છે. નેનોનાઈફ મોડિફાઈડ ફેબ્રિકમાં ૬૦ વખત સુધી ધોવાયા બાદ પણ ઉત્તમ એન્ટીબેક્ટેરિયલ ક્ષમતા જાેવા મળી હતી. પીપીઈ કીટ અને માસ્કના નિકાલમાં લાપરવાહીથી સંક્રમણ ફેલાવાનું જાેખમ છે પરંતુ આ ફેબ્રિક આવા જાેખમને ઘટાડે છે. આ ફેબ્રિકને ફક્ત આકરા તડકામાં રાખવામાં આવે એટલે તે સાફ થઈને ફરી પહેરવા યોગ્ય બની શકે છે.