Western Times News

Gujarati News

વાયરસ વચ્ચે કોંગ્રેસનો પ્રજાદ્રોહ : રૂપાણી

File

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોકૂફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવનો સચોટ જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ વિપક્ષની આલોચના કરતા કહ્યું કે, કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપૂરના રિસોર્ટમાં જલસા કરવા, રાજકારણ રમવા જઇ રહ્યા છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના સૌ જનપ્રતિનિધિઓ અને રાજય સરકાર કોરોના વાયરસના ભયમાં રહેલી ગુજરાતની જનતા જનાર્દનની ચિંતા કરી, કોરોનાથી પ્રજાવર્ગોને બચાવવાના ભાવ સાથે જાનના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે.

તેમણે કહ્યું કે, સરકારની સતર્કતા અને આગોતરા પગલાને પરિણામે સદનસીબે ગુજરાતમાં કોરોના વાયરસના ઝિરો પોઝિટીવ કેસ છે. આમ છતાં આ વાયરસની સામે તકેદારી રાખીને સરકારે રાજ્યના બાળકોની ચિંતા કરીને શાળા-કોલેજો બે સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કરેલો છે. તેમણે ઉમેર્યુ કે, આ વાયરસ ૩૦-૩પ ડિગ્રી ગરમીમાં ટકી શકતો નથી એટલે ગુજરાતમાં આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધતા તેનો ફેલાવો થવાની શકતા નહિંવત જ છે. મુખ્યમંત્રીએ આ વાયરસને કારણે વિધાનસભા ગૃહ મોકૂફ રાખવાની વિપક્ષા નેતાની વાતનો પ્રત્યુત્તર આપતા એમ પણ કહ્યું કે, રાજ્યનું બજેટ સત્ર ચાલે છે.

બજેટ મૂવ થયું છે અને વિવિધ વિભાગની માગણીઓ અને ચર્ચાઓ પણ ચાલી રહી છે. આ સંજોગોમાં પ્રજા પ્રતિનિધિ તરીકે વિધાનસભાના સભ્યોએ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઇ પ્રજાકલ્યાણની ચર્ચાઓ અને પ્રજાહિતની રક્ષા કરવાની છે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપૂરના રિસોર્ટમાં જલસા કરવા જઇ રહ્યા છે. ગુજરાતની જનતાને કોરોના જેવા વાયરસના ભય વચ્ચે ભગવાન ભરોસે છોડીને કોંગ્રેસ પ્રજાદ્રોહ કરી રહી છે એમ તેમણે પ્રતિપક્ષની આલોચના કરતા જણાવ્યું હતું. વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ભૂતકાળમાં બનાસકાંઠાના પૂર વખતે જ્યારે જનતા પિડિત હતી, દુઃખી હતી ત્યારે પણ કોંગ્રેસીઓ બેંગ્લોરના રિસોર્ટમાં સ્વીમીંગ પૂલમાં ધૂબાકા મારતા હતા તે પ્રજા ભૂલી નથી.

હવે જ્યારે ગુજરાતની પ્રજા કોરોના વાયરસના ભયમાં હોય ત્યારે આ જ કોંગ્રેસીઓ જયપૂરના રિસોર્ટમાં ધૂબાકા મારવા પહોંચ્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ગૃહના સૌ સભ્યોને પ્રજાના પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવવા ગૃહમાં બેસવું જ પડે અને જનહિતની ચર્ચા-નિર્ણયો લેવાનું પ્રજાએ સોપેલું દાયિત્વ અદા કરવું જ પડે તેવો સ્પષ્ટ મત પણ દર્શાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.