વાયરસ સંક્રમણ માટે ચીનને જવાબદાર ઠેરવો : ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગ્ટન: કોરોના વાયરસ મહામારી મુદ્દે આખી દુનિયા ચીનની સચ્ચાઈ જાણે છે. આથી સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ચીન પોતાની કરતૂતો બદલ ફરી એકવાર દુનિયાના સવાલોનો સામનો કરતું જોવા મળ્યું. સંયુક્ત રાષ્ટ્રની ૭૫મી વર્ષગાંઠના અવસરે સામાન્ય ચર્ચા દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ખુબ પ્રહાર કર્યા.
વર્ચ્યુઅલ રીતે આ ચર્ચામાં ભાગ લેતા ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણ માટે સંયુક્ત રાષ્ટ્રએ ચીનને જવાબદાર ઠેરવવું જોઈએ. અમેરિકી રાષ્ટ્રપતિએ વિશ્વ આરોગ્ય સંગઠનની ભૂમિકા ઉપર પણ સવાલ ઊભા કર્યા. તેમણે કહ્યું કે, ડબલ્યુએચઓ પર ચીનનું સંપૂર્ણ નિયંત્રણ છે આથી ડબલ્યુએચઓએ વાયરસ વિશે ખોટા નિવેદનો આપ્યા.
ટ્રમ્પે કહ્યું કે વાયરસના શરૂઆતના દિવસોમાં ચીન અને વિશ્વ આરોગ્ય સંગઠને ખોટા દાવા કર્યા કે મનુષ્યથી મનુષ્યમાં ફેલાવવાના કોઈ પુરાવા નથી. ડબલ્યુએચઓ હકીકતમાં ચીનના કંટ્રોલમાં છે. આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે છ દિવસની સામાન્ય ચર્ચાની શરૂઆત કરતા અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરને રોકવાનો સમગ્ર દુનિયાને આગ્રહ કર્યો.
તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સંઘર્ષ અટકવો જોઈએ. જેથી કરીને કોવિડ-૧૯ મહામારી પર વધુ ધ્યાન કેન્દ્રીત થઈ શકે. કોરોનાના જોખમને ધ્યાનમાં લેતા આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચા વર્ચ્યુઅલ રીતે થઈ રહી છે. આમ છતાં યુએનના બિલ્ડિંગ સામે ન્યૂયોર્ક પોલીસ ભારે સંખ્યામાં ઉપસ્થિત રહી.