Western Times News

Gujarati News

‘વાયુ’નો સામનો કરવા સરકારી તંત્ર સજ્જ

અમદાવાદ,  ગુજરાત ઉપર વિનાશકારી વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે જેના પરિણામ સ્વરુપે સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. કોઇપણ પ્રકારના નુકસાનને ટાળવા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઇ ગયું છે. ઝીરો ટોલરન્સ, ઝીરો કેજ્યુઆલીટીના મક્કમ નિર્ધાર સાથે રાજ્યનું વહીવટીતંત્ર વાયુ વાવાઝોડાના સામના માટે તૈયાર છે. મુખ્ય સચિવ જેએન સિંઘે આજે આ મુજબનો દાવો કર્યો હતો. વેરાવળથી દિવ વચ્ચેના દરિયાકાંઠે વાવાઝોડું સંપૂર્ણ શક્તિ સાથે ત્રાટકનાર છે. ગુજરાત તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે તેની ગતિ વધી રહી છે.

હાલમાં વેરાવળથી ૫૭૦ કિલોમીટરના અંતરે છે. આગામી દિવસોમાં આગળ વધવાથી તેની ગતિ વધશે. સંપૂર્ણ તાકાત સાથે ત્રાટકનાર વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ પણ થઇ શકે છે. બેઠકોના દોર વચ્ચે આજે જિલ્લા કલેક્ટરોને વિડિયો કોન્ફરન્સિંગથી માર્ગદર્શન અપાયું હતું. આવતીકાલે અને ૧૩મીએ રજા જાહેર કરાઈ છે.

નિચાણવાળા અને કાંઠાના વિસ્તારોમાં હજારો લોકોનું સ્થળાંતર થઇ ચુક્યું છે. આર્મીની ૩૪ ટીમ, એનડીઆરએફની ૩૫ ટીમ અને એસડીઆરએફની ૧૧ ટીમ ગોઠવાઈ છે. અરબી સમુદ્રમાં વેરાવળથી ૬૫૦ કિમી દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોવાની હવામાન ખાતાની આગાહી સંદર્ભે રાજ્યના વહીવટીતંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાના સામના માટે પુરતી સજ્જતા કેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. આ પ્રયાસોના ભાગરુપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિÂસ્થતિ સામે વહીવટીતંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકને સંબોધતા મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના સબળ માર્ગદર્શન હેઠળ સંભવિત વાવાઝોડા સામે ઝીરો ટોલરન્સ, ઝીરો કોજ્યુઆલીટીના મક્કમ નિર્ધાર સાથે રાજ્યના વહીવટીતંત્રે સજ્જતા કેળવવા નિર્ધાર કર્યો છે. મુખ્ય સચિવે સૌરાષ્ટ્ર-કચ્છના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓને વીડિયો કોન્ફરસિંગ દ્વારા સંબોધી કાંઠાળા વિસ્તારોમાંથી નાગરિકોનું શેલ્ટર હોમમાં સ્થળાંતરથી માંડીને લોકોના જાન-માલના રક્ષણ, પીવાનું પાણી, આરોગ્ય, વિજળી, રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધી વાવાઝોડા સામેની લોકજાગૃત્તિ જેવા વિવિધ મુદ્દે માર્ગદર્શન-સૂચનો આપ્યા હતા.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવે આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે પણ માહિતી મેળવી હતી જેમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા હાલ નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ૧૫ ટીમ ઉપલબ્ધ છે અને વધારાની ૨૦ ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઈ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં ૩૫ ટીમ ખડેપગે રહેશે. સાથે સાથે લશ્કરની ૩૪ ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવામાં આવી છે. આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કાંઠા વિસ્તારમાં મરીન સિક્યોરિટી ફોર્સના જવાનો ઉપરાંત એસડીઆરએફની ૧૧ ટુકડી રવાના કરવામાં આવી હોવાની માહિતી આપી હતી.

સંભવિત વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવાના ભાગરુપે વૃક્ષો ધરાશાયી થાય કે વિજ થાંભલા પડવાથી રસ્તા બંધ થાય તેવા કિસ્સામાં માર્ગ મકાન વિભાગ, વન વિભાગ અનએ વીજ કંપની એમ ત્રણેય વિભાગના કર્મચારીઓની એકથી વધુ ટીમો પ્રત્યેક અસરગ્રસ્ત જિલ્લામાં કાર્યરત રહી રસ્તાની સુવિધા, વિજળીની સુવિધા સતત ઉપલબ્ધ રહે તે માટે કાર્યરત રહેશે. વાવાઝોડા સંદર્ભે અગમચેતીના પગલાં સ્વરૂપે સૌરાષ્ટ્ર–કચ્છના કાંઠાળા અગિયાર જિલ્લાઓ કે જ્યાં વાવાઝોડાની અસરની સંભાવના છે ત્યાં તા.૧૨ અને ૧૩ બે દિવસે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.

આગામી તા. ૧૩મી જૂનની વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લઇ તા.૧૨મી જૂનની સવારથી જ કાંઠા વિસ્તારના ગામોમાંથી નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. લોકોને શેલ્ટર હોમમાં ભોજન-પીવાનું પાણી- સેનીટેશન, વીજળી, આરોગ્ય સુવિધા જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ થાય તેની કાળજી લેવા જિલ્લા વહિવટી તંત્રને મુખ્ય સચિવશ્રીએ સુચના આપી હતી. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે રાજ્યભરમાંથી ૧૦૦ જેટલાં ડિવોટરીંગ પમ્પ્સને પણ સૌરાષ્ટ્ર-કચ્છ ભણી રવાના કરવા સુચના આપવામાં આવી છે.

એટલું જ નહીં સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ સૂકા નાસ્તાના પાંચ લાખ ફૂડ પેકેટ્‌સ પીવાના પાણીના પાઉચ સાથે તૈયાર કરવા પણ રાજ્યના પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે. ભારતીય હવામાન ખાતાના ગુજરાત સ્થિત હવામાન શાસ્ત્રી શ્રી જયંત સરકારે આ વાયુ વાવાઝોડું વેરાવળથી દિવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ વધીને પ્રતિકલાકે ૧૨૦ કિ.મી.ની થવાની શક્યતા છે. એટલું જ નહીં કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ આ પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રખાઇ રહી છે.

હવામાન ખાતાની આ આગાહીના પગલે રાજ્ય સરકારે માછીમારોને દરિયો નહીં ખેડવા ઉપરાંત પ્રવાસીઓને દરિયાકાંઠે કે બીચ ઉપર ફરવા નહીં જવા સૂચના અપાઇ છે. દરિયાકાંઠાના લોકોને વાવાઝોડા દરમિયાન શું કરવું અને શું નહીં કરવાની ખાસ સૂચના દ્વારા સાવચેત કરાયા છે. વાવાઝોડાની સંભાવિત પરિસ્થિતિ દરમિયાન સંદેશા વ્યવહાર પ્રણાલી સતત કાર્યરત રહે તે માટે ભારત સંચાર નિગમ લી. ઉપરાંત રાજ્યભરના મોબાઇલ ઓપરેટર્સને મોબાઇલ ટાવર ૨૪ટ૭ સતત કાર્યરત રહે તે માટે કાળજી લેવા જણાવી દેવાયું છે.

આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓને સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પ્રમાણે સજ્જતા કેળવવા અનુરોધ કર્યો હતો. એટલું જ નહીં સ્થળાંતર માટે વયસ્કો, મહિલાઓ અને દિવ્યાંગોની ખાસ કાળજી લેવા પણ જિલ્લા પ્રશાસનને જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા સાડા ચાર લાખ જેટલાં ખેડૂતો-માછીમારોને એસ.એમ.એસ. સેવા દ્વારા એલર્ટ કરાયા છે તેની પણ તેમણે માહિતી આપી હતી.

આ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી વિભાગોની સજ્જતા સંદર્ભે મુખ્યસચિવશ્રી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. ૧૦૦થી ૧૩૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે ૧૨ જૂનની રાત્રે બે વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા સરખાડીથી ગુજરાતના દરિયાકાંઠે ૧૧૦ કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના હોઇ રાજય સરકાર અને સમગ્ર તંત્ર એલર્ટ પર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.