વાયુ પ્રદૂષણના કારણે ૪૦ ટકા ભારતીયોની સરેરાશ ઉંમર ૯ વર્ષ સુધી ઘટવાનું જોખમઃ સ્ટડી
નવીદિલ્હી, ભારતના વાયુ પ્રદૂષણના સ્તરમાં સમયની સાથે ભૌગોલિકરીતે વિસ્તાર થયો છે અને મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશમાં આ સ્તર એટલું વધી ગયુ છે કે સરેરાશ એક વ્યક્તિના આયુષ્યમાં ૨.૫થી ૨.૯ વર્ષ સુધીનો વધારાનો ઘટાડો આવી રહ્યો છે. એક નવા રિપોર્ટમાં પ્રદૂષણના પરિમાણને લઈને ચેતવણી આપવામાં આવી છે. શિકાગો યુનિવર્સિટીના વાયુ ગુણવત્તા જીવન સૂચકાંકના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારત દુનિયાનો સૌથી વધુ પ્રદૂષિત દેશ છે, જ્યાં ૪૮ કરોડ કરતા વધુ લોકો અથવા દેશની લગભગ ૪૦ ટકા આબાદી ઉત્તરમાં ગંગાના મેદાની ક્ષેત્રોમાં રહે છે, જ્યાં પ્રદૂષણનું સ્તર નિયમિતરીતે દુનિયામાં અન્ય કોઈપણ જગ્યાએ મળી આવતા સ્તર કરતા વધુ છે.
યુનિવર્સિટીના એનર્જી પોલિસી ઈન્સ્ટીટ્યૂટના સંશોધન પરથી એ જાણવા મળ્યું છે કે, જાે કોઈ વ્યક્તિ સ્વચ્છ હવામાં શ્વાસ લે તો તે કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાે ૨૦૧૯નું પ્રદૂષણનું સ્તર બન્યું રહે તો ઉત્તર ભારતના નિવાસીનું જીવન નવ વર્ષ ઓછું થવાની સંભાવના છે કારણ કે, આ ક્ષેત્ર દુનિયામાં વાયુ પ્રદૂષણના સૌથી ચરમ સ્તરનો સામનો કરે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ૨૦૧૯માં ભારતનું સરેરાશ પાર્ટિકુલેટ મેટર કંસંટ્રેશન (હવામાં પ્રદૂષણકારી સૂક્ષ્મ કણની હાજરી) ૭૦.૩ માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હતી, જે દુનિયામાં સૌથી વધુ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ૧૦ માઈક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટરના દિશાનિર્દેશ કરતા સાત ગણુ વધુ છે. રિપોર્ટ અનુસાર, ભારતના વાયુ પ્રદૂષણના ઉચ્ચ સ્તરનો સમયની સાથે ખતરનાકરીતે ભૌગોલિક સ્તરે વિસ્તાર થયો છે.
રિપોર્ટ જણાવે છે કે, કેટલાક દાયકા પહેલાની સરખામણીમાં, સૂક્ષ્મ કણોનું પ્રદૂષણ હવે માત્ર ભારતના ગંગાના મેદાની ક્ષેત્રોની વિશેષતા નથી. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં પણ પ્રદૂષણ ખૂબ જ વધી ગયુ છે. ઉદાહરણ તરીકે એ રાજ્યોમાં સરેરાશ વ્યક્તિના આયુષ્યમાં હવે ૨૦૦૦ની શરૂઆતના સાપેક્ષ વધુ ૨.૫થી ૨.૯ વર્ષનો ઘટાડો આવ્યો છે. બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાન માટે એકયુએલઆઇના આંકડા પરથી જાણવા મળ્યું છે કે, જાે ડબ્લ્યુએચઓના દિશાનિર્દેશો અનુસાર, પ્રદૂષણ ઓછું કરવામાં આવે તો સરેરાશ વ્યક્તિ ૫.૬ વર્ષ વધુ જીવિત રહેશે.
બાંગ્લાદેશ, ભારત, નેપાળ અને પાકિસ્તાનની જનસંખ્યા વૈશ્વિક આબાદીના આશરે એક ચતૃથાંશ હિસ્સો છે અને તે સતત દુનિયાના ટોચના પાંચ સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પાક અવશેષ સળગાવવા, ઈંટના ભઠ્ઠાં અને અન્ય ઔદ્યોગિક ગતિવિધિઓએ પણ આ ક્ષેત્રમાં પ્રદૂષણકારી સૂક્ષ્મ કણોને વધારવામાં યોગદાન આપ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, આવા સૂક્ષ્મ કણથી થનારું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે દુનિયાનું સૌથી મોટું જાેખમ છે.HS