Western Times News

Gujarati News

વારંવાર આગ છતાં સરકાર નક્કર પગલાં કેમ નથી લેતી

નવી દિલ્હી: રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગની ગંભીર નોંધ લઈ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની બરાબરની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બરાબરની ઝાટકતા આગ બાદ માત્ર કમિટી બનાવવાની જ કામગીરી કરવામાં આવતી હોવાનું કહીને આકરી ટકોર કરી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચમાં આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું છે કે, ગુજરાતમાં હોસ્પિટલમાં વાંરવાર આગ લાગવાની ઘટના બની રહી છે અને તેમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર કમિટી બનાવવા સિવાય કોઈ પગલાં લેવામાં આવતા નથી. જસ્ટિસ શાહે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સરકારના રિપોર્ટ પ્રમાણે હોસ્પિટલોમાં બધુ સલામત છે. જ્યારે હકીકત રિપોર્ટ કરતાં અલગ છે અને જે સામે આવવી ખૂબ જરૂરી છે. તમારો રિપોર્ટ તમારા ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનીયર કરતા અલગ છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, આ મામલે ઈન્કવાયરી કમિટી બનાવવામાં આવી છે. તો જસ્ટીસ શાહે ધારદાર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, રાજકોટ મામલે કમિટી બનાવવી તે ઠીક છે પરંતુ અમદાવાદની હોસ્પિટલમાં પણ આગ લાગી હતી તે મુદ્દે શું થયું? તેમાં પણ ૭ લોકોના મોત થયા હતા.તુષાર મહેતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા એનડીએમ ગાઈડ લાઈન અંતર્ગત ગઈ કાલે જ એક એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. તેને લઈને જસ્ટિસ શાહે કહ્યું હતું કે, તે એફિડેટિવ અમને હજુ સુધી મળી જ નથી. જસ્ટિસ શાહે આ કેસની વધુ સુનાવણી ગુરુવારે મુલતવી રાખી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ગત સપ્તાહે એક કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગ ફાટી નિકળી હતી. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને ધ્યાનમાં લઈને સુનાવણી હાથ ધરી કરી હતી. આ સાથે જ વડી અદાલતે આ પ્રકારની ઘટનાઓ રોકવા કેન્દ્ર અને રાજ્ય સરકારને મળેલી નિષ્ફળતા સામે નારાજગી વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.