વાલિયાની એપ્કોટેક્ષ કંપની ખાતે પ્લાન્ટના વિસ્તરણ અંગે લોક સુનાવણી યોજાઈ
અંકલેશ્વર, વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસેની એપ્કોટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લી.ખાતે કૃત્રિમ રબર અને લેટેક્સ પ્લાન્ટના પ્રસ્તાવિત વિસ્તરણ માટે જીપીસીબીના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક સુનાવણી યોજાઈ હતી. જેમાં સ્થાનિકોએ પ્રદૂષણ અને સ્થાનિક યુવાનોને નોકરી સહિતની રજૂઆત કરી હતી.
વાલિયાનાં ડુંગરી ગામ પાસે આવેલ એપ્કોટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ લી.કૃત્રિમ રબર અને લેટેક્સ પ્લાન સ્થાપવા જઈ રહી છે જેને લઈ કંપની ખાતે ગુજરાત પ્રદૂષણ બોર્ડ અને એપ્કોટેક્ષ કંપની દ્વારા લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એડિશનલ કલેક્ટર જે.ડી.પટેલ
જીપીસીબીના અધિકારી એસ.બી.પરમાર, વાલિયા મામલતદાર નેહા સવાણીની ઉપસ્થિતિમાં લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ડુંગરી ગામ સહિત આસપાસના ગામો અને તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જાે કે, લોક સુનાવણી દરમ્યાન કંપની ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ સુનાવણીમાં ઉપસ્થિત સ્થાનિકોએ પ્રદૂષણ અને લેન્ડ લૂઝર્સ સહિત સ્થાનિક યુવાનોને નોકરી તેમજ વર્ષાેથી નોકરી કરતાં કામદારોને કાયમી કરવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. જ્યારે કંપનીમાં કોઈ દુર્ઘટના બને તો તે માટે શું વ્યવસાય છે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ દરેક પ્રશ્નો બાબતે કંપનીના કૌશિક પટેલ, મીનેષ પંડ્યા અને નરેન્દ્રસિંહ અલોજાએ ઉપસ્થિત સ્થાનિકોને યોગ્ય પ્રત્યુત્તર આપી નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી.