વાલિયા નજીક ટ્રક અને ઈકો વચ્ચેના અકસ્માતમાં બેના મોત
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના તુણા ગામના પાટિયા નજીક એક ટ્રક અને ઈકો ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઈકો ગાડી પલટી મારીને સળગી ગઈ હતી.આ ઘટનામાં ઈકો ગાડીમાં જઈ રહેલ પિતા પુત્રના ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી.
આ અંગે વાલિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ સુરત જિલ્લાના કોસંબા ખાતે રહેતા કુપાલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તા.૨૯ મીના રોજ તેમના મિત્ર રાજદિપભાઈ ટેલર રહે.કોસંબા સાથે ઈકો ગાડી લઇને રાતના સાડા દસના અરસામાં તેમની સાસરીના ગામ ડહેલી ખાતે તેમના ચાર વર્ષીય પુત્ર કર્તવ્યસિંહને લેવા માટે ગયા હતા.
ડહેલી આવ્યા બાદ કુપાલસિંહ તેમના ચાર વર્ષીય પુત્ર કર્તવ્યસિંહને લઈને કોસંબા જવા નીકળ્યા હતા.દરમ્યાન રાતના પોણા બારેક વાગ્યાના અરસામાં તુણા ગામના પાટિયા નજીકથી પસાર થતા હતા ત્યારે સામેથી આવતી એક ટ્રક તેમની ઇકો ગાડી સાથે અથડાતા ઈકો પલ્ટી મારી ગઈ હતી.આ અકસ્માત બાદ રાજદિપભાઈ ઈકો માંથી બહાર નીકળી ગયા હતા.
તેમને શરીર પર નાનીમોટી ઇજાઓ થઇ હતી. તેમની સાથેના કુપાલસિંહ રાઠોડ તેમજ તેમનો ચાર વર્ષીય દિકરો કર્તવ્યસિંહ ઇકો ગાડી નીચે દબાઈ ગયા હતા.
રાજદિપભાઈએ તેમને બહાર કાઢવાની કોશિશ કરી પણ તેઓ નીકળી શક્યા નહતા.ત્યારબાદ પલ્ટી મારેલ ઈકો ગાડીમાં અચાનક આગ લાગી ગઈ હતી.ઘટનાની જાણ ડહેલી ગામે થતા ત્યાંથી કેટલાક માણસો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથધરી હતી.