વાલ્લા શાળાએ ૧૧૧ ચોરસ ફૂટનું વિશાળ થ્રીડી વૉલ પેઇન્ટિંગ તૈયાર કર્યુ

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા શૈક્ષણિક અને સામાજિક પ્રકારના અનેક સફળ નવતર પ્રયોગ કરી રહી છે.હાલ આઝાદીનો અમૃત મહોત્સવ દેશભરમાં વિવિધ રીતે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ શાળાએ પણ જનજાગૃતિના અનેક પ્રયાસ કરીને ઉજવણી સાર્થક કરી છે….
શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે ૧૧૧ ચોરસ ફૂટનું વિશાળ થ્રીડી પેઇન્ટિંગ તૈયાર કરીને વૃક્ષ જતનનો પ્રેરક સંદેશ આપ્યો છે… શાળાના વરંડાની અંદર આવેલ ઝાડ જાણે કે જાહેર માર્ગ ઉપર ઊગી નીકળ્યું હોય તેવું લાગે છે……આમ, છે તે નથી અને નથી તે છે તેવો આભાસ આ થ્રીડી વોલ પેઇન્ટિંગ દ્વારા થાય છે.
જે કલાસર્જકની આગવી કારીગરી છે. ‘છોડમાં રણછોડ,જન તું મન જાેડ’ નો સંદેશ આપતું આ સર્જનમાં ભગવાન રણછોડરાય (શ્રીકૃષ્ણ) વૃક્ષમાં દેખાય છે.
વૃક્ષમાં વાસુદેવ,ક્યારામાં કનૈયો,રોપવામાં રામજી નો વેદકાલિન સંદેશ આપે છે.સાથે વૃક્ષનું જતન,સંવર્ધન કરી પર્યાવરણ જાળવણીની પણ વાત કરે છે.શાળાના દરવાજા પાસે જાહેર માર્ગ પર તૈયાર કરાયેલ આ થ્રીડી પેઇન્ટિંગ સમગ્ર ગ્રામજનોને પ્રેરણા આપી રહ્યું છે…..
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પૂરા પાંચ દિવસની ભારે જહેમત ઉઠાવી આ પ્રેરક થ્રીડી પેઇન્ટિંગ તૈયાર કરવા બદલ હિતેશકુમાર બ્રહ્મભટ્ટને શાળાના આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા ગામના સરપંચ અશ્વીનભાઈ વાળંદ ,ઉપ સરપંચ અશોકભાઈ પરમાર તથા રામજીમંદિરના મહંત પૂ.ભગવાનદાસજી મહારાજે ખાસ અભિનંદન આપ્યા