Western Times News

Gujarati News

વાવાઝોડાના કારણે હાફુસ કેરી ૨૦ રુપિયે કિલો વેચાઈ

Files Photo

વાવાઝોડાના કારણે સૌથી વધારે નુકસાન કેરીને થયું છે કેરી ખરી પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે

વલસાડ: તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવતા અને કેરીનો પાક ખરી પડતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાના કારણે જમીન પર ખરી પડેલી ૧૭,૧૩૦ ટન કેરી વેચવા માટે ખેડૂતોએ એપીએમસી માર્કેટ અને મંડળીઓએ લાઈન લગાવી હતી. વાવાઝોડા પહેલા જે હાફુસ અને કેસરનો ભાવ ખેડૂતોને ૧૧૦૦થી ૧૪૦૦ રૂપિયા મણ મળતો હતો, તે વાવાઝોડા બાદ ૨૦૦થી ૪૦૦ રૂપિયા થઈ ગયો છે.

જેના કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સુરત જિલ્લામાં ૩૦૬૩ હેક્ટર જમીન પર કેરીનો પાક તૈયાર થયો હતો. વાવાઝોડાના કારણે કેરી ખરી પડતાં બીજા દિવસે ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં તેને વેચવા માટે લાઈન લગાવી હતી. સુરત એપીએમસી માર્કેટમાં અંદાજે ૮ હજાર ટન કેરી વેચાવા માટે આવી હતી. જિલ્લામાં ૧૧૦૦થી ૧૪૦૦ના ભાવે વેચાતી કેસર કેરી બુધવારે ૧૦૦ રૂપિયે મણ વેચાઈ હતી.

નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે ૩૪ હજાર હેક્ટરમાં કેરીનો પાક તૈયાર થયો હતો, જેમાં ૪૦ ટકા કેરી અગાઉ ઉતારી લેવાઈ હતી. બાકી રહેલી ૬૦ ટકા કેરીમાંથી ૪૦ ટકા કેરી વાવાઝોડાના કારણે ખરી પડી હતી. વાવાઝોડા પહેલા કેસર અને હાફુસનો ભાવ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા મણ હતો, જે બુધવારે ૨૦૦થી ૮૦૦ રૂપિયા મણ વેચાઈ હતી. તૌકતે વાવાઝોડાએ માત્ર કેરી જ નહીં પરંતુ મગ તેમજ મગફળી જેવા અન્ય પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં આશરે ૯૦ ટકા ઉભો પાક નાશ પામ્યો છે. સામાન્ય રીતે આ સમયે આઠેક લાખ જમીન પર વાવેતર થયેલું હોય છે. આ વખતે પાણીનો પ્રશ્ન ના હોવાથી ૧૦.૫ લાખ હેક્ટર જમીન પર વાવેતર થયું હતું, જેથી નુક્સાન પણ વધુ રહેવાની શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.