વાવાઝોડાની અસરોને પહોંચી વળવા શિક્ષણ મંત્રીએ ધોળકાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી
વાવાઝોડાથી થયેલ નુકસાન અને સર્જાયેલી સમગ્ર પરિસ્થિતિ પૂર્વવત્ કરવા અધિકારીઓને સૂચના આપી
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વાવાઝોડાથી થયેલ નુકસાન સંદર્ભે ધોળકા તાલુકાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં વાવાઝોડા અને ભારે વરસાદના કારણે તાલુકામાં સર્જાયેલા પ્રતિકુળ પરિસ્થિતિઓ, તાલુકામાં સંપતિને થયેલ નુકસાનને પહોંચી વળવા અને સમગ્ર પરિસ્થિતિને પૂર્વવત કરવા અધિકારી શ્રી ઓને મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
મંત્રીશ્રીએ ધોળકા તાલુકામાં વાવાઝોડાના કારણે બિસ્માર થયેલ રસ્તાઓ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓને તાલુકામાં જે રસ્તા બ્લોક હોય એ તાકીદે ખુલ્લા કરી તેમજ તૂટેલા રસ્તા તાત્કાલિક રીપેરીંગ કરવા સૂચના આપી હતી.
વીજળી બાબતે તાલુકાના જે ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હોય , ટાવર પડી ગયા હોય તે તમામ પરિસ્થિતિમાં તાકીદે કામગીરી કરીને વીજપુરવઠો પુન:પ્રસ્થાપિત કરવા સંલ્ગન અધિકારીઓનો સૂચના આપી હતી.
વાવાઝોડાની પરિસ્થિતિના આગોતરા આયોજન રૂપ અસરગ્રસ્તોને સલામતીપૂર્વક આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા હતા. આ 400 થી વધુ અસરગ્રસ્તોને સમયસર ભોજનની વ્યવસ્થા મળી રહી છે કે કેમ તે અંગે અધિકારીઓ સાથે ખરાઇ કરી જાત માહિતી મેળવી હતી.
તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રીને તાલુકાના વિવિધ ગામોમાં બાગાયત પાકને નુકસાન થયેલ હોય અને ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકમાં તારાજી સર્જાઇ હોય પશુઓના મૃત્યુ થયા હોય તે તમામ માહિતી એકઠી કરી જરૂરિયાતમંદોને સહાય ચૂકવણી કરવા મદદરૂપ થવા તાકીદ કર્યા હતા.
મંત્રી શ્રી એ વધુમાં વધુ લોકો સુધી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચે ગામમાં કોરોના ની ગાઈડલાઈન સંપૂર્ણ પાલન થાય તે માટેના પગલા લેવા તંત્રને સૂચન કર્યું હતુ.
આ બેઠકમાં ધોળકા નગરપાલિકાના પ્રમુખ રીનાબેન ત્રીવેદી, પ્રાંત અધિકારી શ્રી જલનધરા,મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તેમજ તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.